વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના લોહરદગામાં જનસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે વિપક્ષે હારનું ઠીકરું ઇવીએમ પર ફોડવાની તૈયારી કરી લીધી છે. જેમ કોઈ બાળક પરીક્ષાના પરિણામો પહેલા પરેશાનીઓ ગણાવવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં પહેલા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ લોહરદગા, ચતરા અને પલામૂમાં થવાનું છે. આ ત્રણેય સીટ્સ પર 2014માં ભાજપ જીતી હતી. લોહરદગાથી કેન્દ્રીય મંત્રી સુદર્શન ભગત ભાજપના ઉમેદવાર છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય સુખદેવ ભગત સાથે છે.
મોદીએ ઝારખંડમાં કહ્યું, “દેશની જનતા પોતાના ચોકીદાર પર પ્રેમ વરસાવી રહી છે તો બિચારા ઇવીએમએ ગાળો ખાવી પડે છે. જે લોકો દિવસમાં ત્રણ વખત પીએમ બનવાના સપના જોવે છે, તેમના સપના ચૂર-ચૂર થઈ ગયા. અમે દેશને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દિલ્હીમાં મજબૂત સરકાર બની ત્યારે જ અમે નક્સલવાદ અને માઓવાદ પર કાબૂ મેળવી શક્યા છીએ. ઝારખંડના તે વિસ્તારોમાં જ્યાં લોકો દિવસમાં નીકળતા ડરતા હતા, ત્યાં હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.”
મોદીએ કહ્યું, “ઝારખંડના યુવાનો મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ રહ્યા છે. દિલ્હીમાં બેસીને ગામ-દેહાતની વાતો કરનારાઓએ આ પરિવર્તન જોવું જોઈએ. આજે આતંકવાદ સૌથી મોટો પડકાર છે. ઇસ્ટરના દિવસે આતંકીઓએ શ્રીલંકામાં ધમાકા કર્યા. આ દિવસ માનવતાનું પ્રતીક છે અને આતંકીઓએ પ્રાર્થના કરી રહેલા લોકોના જીવ લીધા. કેટલાક વર્ષો પહેલા ભારતમાં પણ આવો જ માહોલ હતો. પાકિસ્તાન આતંકીઓ મોકલતું હતું અને કોંગ્રેસ તેમના મોત પર ડરી-ડરીને આંસૂ વહાવતી હતી. પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાનું કામ તમારા ચોકીદારે કર્યું છે. અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા. આતંકીઓને ભારત વિરુદ્ધ કરવામાં આવેલા દરેક ગુનાની સજા જરૂર મળશે.”