પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકના મેકર્સ માટે આજે મોટો દિવસ છે. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ આજે ચૂંટણીપંચ ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ જોશે. ફિલ્મ જોયા પછી ચૂંટણીપંચ PM મોદી બાયોપિકની રીલીઝ અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે. બાયોપિક જોયા પછી ચૂંટણીપંચ એ નિર્ણય લેશે કે ફિલ્મને લોકસભા ચૂંટણી દરમિયાન રીલીઝ કરવાથી તેની ચૂંટણી પર કોઈ અસર પડશે કે નહીં.
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીને 11 એપ્રિલના રોજ રીલીઝ કરવાની હતી. પરંતુ, ચૂંટણી પર પીએમની બાયોપિકની અસર પડશે એમ કહીને ચૂંટણીપંચે વિવેક ઓબેરોયની આ ફિલ્મ પર રોક લગાવી દીધી હતી. ચૂંટણીપંચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી પીએમની બાયોપિકને રીલીઝ કરી શકાશે નહીં. ચૂંટણીપંચના આ નિર્ણય વિરુદ્ધ ફિલ્મના મેકર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ફિલ્મ પર રોક લાગવાથી ફિલ્મ મેકર્સ અપસેટ છે. ફિલ્મના પ્રોડ્યુસર સંદીપ સિંહ રીલીઝ ટળી જવાને કારણે તણાવમાં છે. સંદીપ સિંહે કહ્યું- “અમે લોકો ઘણા તણાવમાં છીએ. ટીમ હવે આત્મવિશ્વાસ ગુમાવી રહી છે, પરંતુ અમને આશા છે કે અમને ન્યાય મળશે અને અમારી ફિલ્મ રીલીઝ થશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ફિલ્મમેકર્સે આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઘણું હ્યુમિલિયેશન થયું છે. પદ્માવત વખતે પણ આટલો તણાવ તો નહીં થયો હોય.”
યુટ્યૂબ પરથી ફિલ્મનું ટ્રેલર પણ હટાવી લેવામાં આવ્યું છે. ટ્રેલરને હટાવવાનું કારણ ચૂંટણીપંચનો નિર્ણય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મને લઈને શરૂઆતથી જ વિવાદ રહેલો છે. ફિલ્મની વાર્તા અને સ્ટારકાસ્ટને લઇને ટ્રોલર્સ પણ આક્રમક બનેલા છે. રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણીના માહોલમાં ફિલ્મની રીલીઝનો વિરોધ કરી રહી છે. પીએમ મોદીની બાયોપિકને ઓમંગકુમારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મને રીલીઝ પહેલા મોદીને દર્શાવવામાં આવી હતી. પીએમની ટીમે ફિલ્મને મંજૂરી આપી દીધી હતી.