ભારતીય વાયુસેનાએ દેખાડયા પુરાવા, ભારતીય જેટે તોડી પાડયુ હતું પાકિસ્તાની એફ-16 યુદ્ધવિમાન
ભારતીય વાયુસેનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેની પાસે એ વાતના પાકા પુરાવા છે કે પાકિસ્તાનની એરફોર્સે 27 ફેબ્રુઆરીએ એફ-16નો ઉપયોગ કર્યો હતો અને ભારતીય વાયુસેનાના મિગ-21 બાયસને એક એફ-16ને તોડી પાડયું હતું.
સોમવારે મીડિયાની સામે આવીને ભારતીય વાયુસેનાના એર વાઈસ માર્શલ આર. જી. કે. કપૂરે પાકિસ્તાન દ્વારા ફેલાવાઈ રહેલા જૂઠ્ઠાણાને બેનકાબ કરતા પુરાવા રજૂ કર્યા હતા. ઈન્ડિયન એરફોર્સે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એટલે કે અવાક્સ રડારની તસવીરો પણ જાહેર કરી છે.
રડાર ઈમેજનું વિશ્લેષણ કરતા એર વાઈસ માર્શલ આર. જી. કે. કપૂરે કહ્યુ છે કે આમા લાલ નિશાનમાં ત્રણ એરક્રાફ્ટ દેખાઈ રહ્યા છે અને તે પાકિસ્તાનના એફ-16 છે. જમણી બાજૂ બ્લૂ સર્કલમાં પાયલટ અભિનંદન વર્ધમાનનું મિગ-21 બાયસન એરક્રાફ્ટ હોવાનું જોઈ શકાય છે. થોડાક સમય બાદ લેવામાં આવેલી બીજી ઈમેજમાં પાકિસ્તાનું એક એફ-16 એરક્રાફ્ટ દેખાઈ રહ્યું નથી. તે હકીકતમાં નષ્ટ થઈ ચુક્યું હતું.
એર વાઈસ માર્શલે ડોગફાઈટના લોકેશન સંદર્ભે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનનું એફ-16 પીઓકેમાં સબ્જકોટ વિસ્તારમાં પડયુ હતું. ભારતનું મિગ-21 ક્રેશ થયું હતું, તેના પાયલટે સુરક્ષિત રીતે નીકળીને પોતાની પેરાશૂટ સાથે પીઓકેમાં ઉતરાણ કર્યું હતું.
એર વાઈસ માર્શલે આગળ કહ્યુ હતુ કે ડીજી-આઈએસપીઆરએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે તેમની પાસે બે પાયલટ હતા. એક કસ્ટડીમાં અને બીજો હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો તો. આ વાતને પાકિસ્તાનના વડાપ્રધાને પણ પોતાના નિવેદનમાં કહી હતી. આનાથી સાબિત થાય છેકે તે દિવસે પીઓકેમાં બે પ્લેન ક્રેશ થયા હતા.
વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે એમાં કોઈ શંકા નથી કે 27 ફેબ્રુઆરી-2019ના દિવસે આકાશમાં ડોગ ફાઈટ દરમિયાન બે પ્લેન તૂટી પડયા હતા. આમાથી એક ભારતીય વાયુસેનાનું મિગ-21 બાયસન હતું, જ્યારે બીજું પાકિસ્તાનના એરફોર્સનું એફ-16 અને તેની ઓળખ ઈલેક્ટ્રોનિક સિગ્નેચર અને રેડિયો ટ્રાન્સક્રિપ્ટથી થઈ છે.
એરવાઈસ માર્શલે કહ્યુ છે કે તેમની પાસે વિશ્વનીય પુરાવા છે, જે જણાવે છે કે પાકિસ્તાને એક એફ-16 ખોયું છે. જો કે સુરક્ષા અને ગુપ્તતાની ચિંતાઓને કારણે આની જાણકારી સાર્વજનિક કરવાથી બચતા રહ્યા છીએ.