ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને જોતા ચીને મોટું પગલું ઉઠાવ્યું છે. ચીને પાકિસ્તાનથી આવનારી અને પાકિસ્તાન જનારી પોતાની તમામ ફ્લાઈટ્સને રદ્દ કરી છે. તેની સાથે જ ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યુ છે કે તણાવને કારણે ચીને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાણ ભરનારી પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને રી-રુટ કરી છે.
ભારતની સાથે તણાવને કારણે પાકિસ્તાને પોતાનો એરસ્પેસ બંધ રાખ્યો છે. તેના કારણે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયાની વચ્ચે મુખ્ય માર્ગ પણ બાધિત થયો છે અને દુનિયાભરમાં હજારો પ્રવાસીઓ ફસાયા છે.
ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું છે કે મધ્ય-પૂર્વથી આવનારી ફ્લાઈટ્સ સામાન્ય રીતે પાકિસ્તાન અને પાકિસ્તાન-ભારત સીમાને પાર કરે છે. તેમને ચીન જવા માટે ભારત, મ્યાંમાર અથવા મધ્ય એશિયાના માર્ગે ચીનમાં પ્રવેશ કરવો પડશે.
નોર્થ ચાઈના એર ટ્રાફિક મેનેજમેન્ટ બ્યૂરો તરફથી ગ્લોબલ ટાઈમ્સને મોકલવામાં આવેલા નિવેદન પ્રમાણે, બીજિંગ કેપિટલ ઈન્ટરનેશનલ એરપોર્ટે કનેક્ટિંગ ફ્લાઈટ્સ સહીત બુધવારે અને ગુરુવારે પાકિસ્તાન જનારી તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે.
ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે, શુક્રવારે પણ આ ફ્લાઈટ પોતાના નિર્ધારીત શિડ્યુલના હિસાબથી ઉડાણ ભરશે, તેવું કહી શકાય નહીં. અખબાર મુજબ, પાકિસ્તાનમાંથી દર સપ્તાહે ચીન માટે 22 ફ્લાઈટ ઉડાણ ભરે છે. જેમાં બે એર ચાઈના અને બાકીની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટો છે. પાકિસ્તાન તરફથી હવાઈ ક્ષેત્ર બંધ કરાયા બાદ વિદેશી એરલાઈન્સ માટે ચીન સકારાત્મક ઉપાય કરી રહ્યું છે.
ચીનના સિવિલ એવિએશન ઓથોરિટીએ ડોમેસ્ટિક ઉડ્ડયન કંપનીઓને સૂચિત કરવા અને ઉડ્ડયનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા અસ્થાયી ઉડાણ યોજનાઓને મંજૂરી આપવા માટે વાયુસેના સાથે સહયોગ કરવા માટે એક ઈમરજન્સી યોજના શરૂ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ઉડાણોમાં તાજેતરમાં મોટા પરિવર્તનો થયા છે. સીએએસીએ પ્રવાસીઓની સાથે ક્યાંય પણ આવતા અથવા જતા પહેલા ફ્લાઈટની સ્થિતિ જાણવવા માટે કહેવામાં આવ્યું છે.
પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ગુરુવારે બંધ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અહેવાલો મુજબ, પાકિસ્તાનની અંદર અને બહારની તમામ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ વાણિજ્યિક ઉડાણાનો આગામી નોટિસ સુધી રદ્દ કરવામાં આવી છે.