હૈદરાબાદ: સહપાઠી વિદ્યાર્થિની સામે ક્લાસ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી હારવાને કારણે દુખી થયેલા એક આઠમા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. આ ચોંકાવનારો મામલો તેલંગાણાના યદાદ્રી જિલ્લા હેઠળ આવતા રમન્નાપેટ કસબાનો છે. પોલીસે કહ્યુ છે કે આજે સવારે રેલવે સ્ટાફે નાલગોંડા રેલવે પોલીસના ચિતયાલ રેલવે સ્ટેશનની નજીકના ટ્રેક પર એક લાવારિસ લાશ હોવાની જાણકારી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશને વિકૃત હાલતમાં કબજે કરી હતી.
આ લાશની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને ઓળખી શકવી પણ મુશ્કેલ હતી. તેના પછી નાલગોંડા પોલીસે ઓળખ માટે લાશની તસવીરો અને તેના ચહેરાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને મોકલી હતી. આ કવાયત દરમિયાન રમન્ના પેટ પોલીસને જાણકારી મળી કે બે દિવસ પહેલા એક બાળકના ગાયબ થવાની ફરિયાદ આવી હતી. તેનો ચહેરો-મહોરો બાળકની લાશ સાથે મળતો આવે છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ છે કે લાશની ઓળખ બાદ શરૂ થયેલી તપાસમાં જાણકારી મળી છે કે આ લાશ રમન્નાપેટના કૃષ્ણાવેની ટેલેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરનારા 13 વર્ષીય બાળકની છે. તપાસમાં જાણકારી મળી છે કે 16 જુલાઈએ આ સ્કૂલમાં ક્લાસ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી થઈ હતી. તેમા આ બાળક પોતાની સાથે ભણનારી વિદ્યાર્થિનીની સામે હારી ગયો હતો. આ હાર બાદ આ બાળક ગુમસુમ રહેવા લાગ્યો હતો.