કચ્છમાં ફરી ધરા ધણધણીઃ 24 કલાકમાં 5 આંચકા
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા શરૂ થતા લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા આવ્યાં હતા. જો કે, આ આંચકામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. ભૂકંપનો સૌથી મોટો આંચકો 4.1ની તીવ્રતાનો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર કચ્છમાં ગઈકાલે બપોરના સમયે 4.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યાર બાદ એક પછી એક એમ બીજા ચાર આંચકા આવ્યાં હતા. ભૂકંપના આ આંચકો દુધઈ, રાપર અને ભચાઉમાં અનુભવાયાં હતા. રાત્રે 9.15 કલાકે 1.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિમી દૂર નોંધાયું હતું. આવી જ રીતે મોડી રાતે 11.07 કલાકે 2.5ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઈથી 17 કિમી દૂર નોંધાયું હતું.
દરમિયાન વહેલી પરોઢે 5.21 કલાકે 1.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ પણ દુધઈથી 18 કિમી દૂર નોંધાયું હતું. પાંચમાંથી 3 આંચકા દુધઈની આસપાસના વિસ્તારમાં આવ્યાં હતા. 24 કલાકના સમયમાં જ ભૂકંપના પાંચ આચંકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં ચાર ફોલ્ડ લાઈન સક્રીય હોવાથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે.