લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને બીજેપી તેમજ ટીએમસી વચ્ચે તણાવ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, ટીએમસીના 3 ધારાસભ્યો અને અનેક કાઉન્સિલર્સ બીજેપીમાં સામેલ થવાની અટકળો પછી બંને દળો વચ્ચેનો તણાવ વકરી શકે છે. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં જબરદસ્ત પ્રદર્શન પછી બીજેપી વધુ આક્રમકતા સાથે ટીએમસી અને મમતાને પડકાર આફવાના મૂડમાં દેખાઈ રહી છે. ક્યારેક મમતા બેનર્જીના ઘણા નજીક માનવામાં આવતા મુકુલ રોયના નેતૃત્વમાં બીજેપી ટીએમસીના નેતાઓને પોતાના પક્ષમાં ભેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
એવી અટકળો છે કે મુકુલ રોયના દીકરા શુભ્રાંસુ રોય સહિત ટીએમસીના 3 ધારાસભ્યો દિલ્હીમાં બીજેપીનું સભ્યપદ લઈ શકે છે. શુભ્રાંસુ ઉપરાંત નોઆપારાથી ધારાસભ્ય સુનીલ સિંહ અને બેરકપુરના ધારાસભ્ય શીલભદ્ર દત્તાના પણ મુકુલ રોય સાથે દિલ્હી આવવાના સમાચાર છે. રોય પોતે 2017માં બીજેપીમાં સામેલ થયા હતા.
મુકુલ રોયના દીકરા શુભ્રાસુને ટીએમસી પાર્ટીવિરોધી ગતિવિધિઓના આરોપમાં પહેલા જ સસ્પેન્ડ કરી ચૂકી છે. ત્રણેય ધારાસભ્યો ઉપરાંત ટીએમસીના અનેક કાઉન્સિલર્સ પણ બીજેપીમાં જોડાઈ શકે છે. ખાસ વાત એ છે કે ત્રણેય ધાકાસભ્ય બેકરપુર લોકસભા સીટ હેઠળ આગામી વિધાનસભા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરી શકે છે. બેરકપુરમાં બીજેપીના અર્જુનસિંહે ટીએમસીના કદાવર નેતા અને 2 વારના સાંસદ રહેલા દિનેશ ત્રિવેદીને પરાસ્ત કર્યા છે. બિજપુરથી ધારાસભ્ય સુનીલ સિંહ અર્જુન સિંહના સંબંધી છે.
દિલ્હી પહોંચ્યા ટીએમસીના 20 કાઉન્સિલર્સ
આ દરમિયાન ટીએમસીના કેટલાક કાઉન્સિલર્સ દિલ્હી પહોંચી ચૂક્યા છે, જેઓ બીજેપીનું સભ્યપદ લેશે. તેમાં સામેલ ગરીફાના વોર્ડ નંબર 6ના ટીએમસી કાઉન્સિલર રૂબી ચેટર્જીએ દાવો કર્યો કે તેમની સાથે અન્ય 19 કાઉન્સિલર પણ દિલ્હીમાં છે. તેમણે કહ્યું, ‘દિલ્હીમાં 20 કાઉન્સિલર્સ આવેલા છે. અમે મમતાજીથી નારાજ નથી પરંતુ બંગાળમાં બીજેપીની તાજેતરની જીતથી પ્રભાવિત થઈને અમે પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છીએ. લોકો બીજેપીને પસંદ કરી રહ્યા છે અને તેના માટે કામ કરી રહ્યા છે.’