- દિલ્હીમાં માસ્ક વગરના લોકો પર 2000 નો દંડ
- ગુટખા-પાન-તમાકુ ખાવા પર પણ વસુલાશે દંડ
- કોરોનાના વધતા સંક્રમણને લઈને બહાર પાડ્યું જાહેરનામું
દિલ્હી – કોરોના ના વધતા જતા કેસો પર લગામ લગાવવા માટે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે,શનિવાર એટલે કે આજથી માસ્ક ન પહેરવા પર 2 હજાર રૂપિયાનો દંડ ભરવાની સાથે લોકોએ સાર્વજનિક જગ્યાઓ પર પાન,ગુટખાનું ખુલ્લામાં સેવન અને ખુલ્લામાં શોચ કરવા પર,સામાજિક અંતરનું પાલન ન કરવા પર પણ આટલો જ દંડ ભરવો પડશે.
દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હીવાસીઓને આશ્વાસન આપ્યું હતી કે, કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 7 નવેમ્બરના રોજ સંક્રમણનો પોઝિટિવિટી દર 15 ટકા હતો,જે હવે ઘટીને 11 ટકા થયો છે. સ્વાસ્થ્યમંત્રીએ પણ લોકોને કોરોના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવાની અપીલ કરી હતી.
નિયમ તોડવા પર 2 હજાર રૂપિયાનો દંડ ફટકારાશે
સરકારની સૂચના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ,પોલીસ ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓને નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી બે હજાર રૂપિયા દંડ વસૂલવાનો અધિકાર મળી ગયો છે. સ્વાસ્થ્યમંત્રીએ લોકોને દરેક સમયે માસ્ક લગાવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, કારની અંદર પણ માસ્ક લગાવવું જરૂરી છે.
કોરોના પોઝિટિવ કેસના ઘટાડા બાદ પણ દિલ્હીમાં દરરોજ 7,000 થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 7,456 કેસો નોંધાયા હતા,જેમાં કોરોનાનો પોઝિટિવિટી દર 12.1 ટકા હતો.
દિલ્હીના 11 જિલ્લામાં શુક્રવારથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે, સર્વેક્ષણનો હેતુ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના દર્દીઓની ઓળખ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે, સર્વેની સાથો સાથ સરકાર કોરોના ટેસ્ટમાં વધારો કરવાનું પણ વિચારી રહી છે,જેથી સંક્રમિત દર્દીઓ શોધી શકાય અને તેઓની ટૂંક સમયમાં સારવાર થઈ શકે.
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક બુલેટિન મુજબ શુક્રવારે કેસની કુલ સંખ્યા વધીને 5,17,238 થઈ ગઈ છે, જેમાં 4,68,143 લોકો સ્વસ્થ બન્યા છે. આ પ્રમાણે હાલમાં દિલ્હીમાં 40,936 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
દેવાંશી-