પશ્ચિમ બંગાળ: TMCના 2, લેફ્ટના એક ધારાસભ્ય BJPમાં સામેલ, ઘણી નગરપાલિકાઓ પર ભાજપનો કબ્જો
લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત પછી મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય અને તૃણમૂલ કોંગ્રેસના 2 ધારાસભ્યો બીજેપીમાં જોડાઈ રહ્યા છે. આ બંને ધારાસભ્યો શીલભદ્ર દત્ત અને સુનીલ સિંહ છે. આ 3 નેતાઓ ઉપરાંત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી આશરે 50 કાઉન્સિલર્સ પણ દિલ્હી પહોંચ્યા છે જેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા.
બીજેપીના નેશનલ જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું, જે રીતે પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી તે જ રીતે સાત તબક્કાઓમાં બીજેપીમાં જોઇનિંગ પણ થશે. આજે ફક્ત પહેલો તબક્કો છે.
બીજેપીનો હાથ પકડવાવાળા આ કાઉન્સિલર્સ 24 પરગણા જિલ્લાના કંચરાપારા, હલિશહર અને નૈહાતી નગરપાલિકાના છે. તેની સાથે બીજેપીનો ભાટપારા નગરપાલિકા પર કબ્જો થઈ જશે. બીજેપીના નવા ચૂંટાયેલા સાંસદ અર્જુનસિંહ ભાટપારા નગરપાલિકાના અધ્યક્ષ છે.
અર્જુનસિંહે કહ્યું કે હવે તેમની પાર્ટીનો ભાટપારા નગરપાલિકા પર કબ્જો હશે. ઉલ્લેખનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં બંગાળમાં બીજેપીએ મોટી જીત હાંસલ કરી છે અને 2014માં માત્ર 2 સીટ્સ પર સમેટાઈ ગયેલી બીજેપી આ વખતે 18 સીટ્સ જીતીને આવી છે.
આ જીતમાં મુકુલ રોયની મોટી ભૂમિકા છે. રોય ભૂતકાળમાં ટીએમસીના કદાવર નેતા રહ્યા છે જેઓ પછીથી બીજેપીમાં સામેલ થઈ ગયા. તેમની રણનીતિઓએ બીજેપીને મોટી સફળતા અપાવી છે.