કાશ્મીરમાં પથ્થરબાજોની મદદથી ભાગી નીકળ્યા 2 આતંકી, કાર્યવાહીમાં 1 પથ્થરબાજનું મોત, 70 ઘાયલ
દક્ષિણ કાશ્મીરના કુલગામ અને શોપિયાં જિલ્લામાં બુધવારે બે સ્થળો પર સુરક્ષાદળો સાથે અથડામણમાં એક પથ્થરબાજનું મોત થઈ ગયું અને 70 અન્ય ઘાયલ થઈ ગયા. આ દરમિયાન બે આતંકવાદીઓ બચીને ભાગી નીકળ્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બુધવારે સાંજે સેના, સીઆરપીએફ અને વિશેષ અભિયાન દળના જવાનોએ શોપિયાંના પિંજૂરા વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું.
સુરક્ષાદળોના અભિયાનમાં વિઘ્ન નાખવા માટે સ્થાનિક પથ્થરબાજોના એક દળે સર્ચ ઓપરેશન ચલાવી રહેલા દળ પર પથ્થરમારો શરૂ કરી દીધો. સુરક્ષાદળોએ ભીડને હટાવવા માટે ટિયર ગેસના ગોળા છોડ્યા અને પેલેટગનનો ઉપયોગ કર્યો. આ કાર્યવાહીમાં 20 પથ્થરબાજો ઘાયલ થઈ ગયા. ઘાયલોમાંથી ત્રણને ગોળી વાગી હતી.
આતંકવાદીઓને ખભા પર મૂકીને લગાવ્યા નારા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘાયલોને શોપિયાં જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં એક ઘાયલ સજ્જાદ અહેમદ પરેને મૃત જાહેર કરવામાં આવ્યો. વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ એક ઘરમાં છુપાયા હોવાની માહિતી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ આતંકવાદીઓમાં હિજબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર રિયાઝ નાઇકુ પણ સામેલ છે. આ પહેલા કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ વહેલી સવારે બે આતંકીઓને ઘેરી લીધા.
જે ઘરમાં આ આતંકવાદીઓ છુપાયા હતા, તેને પણ તોડી પાડવામાં આવ્યું, પરંતુ આતંકવાદીઓ એ ઘરના કાટમાળમાં પણ જીવતા બચી ગયા. આ દરમિયાન જ મોટી સંખ્યામાં પથ્થરબાજોએ સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂ કરી દીધો અને બંને આતંકવાદીઓ ભાગી નીકળ્યા. સુરક્ષાદળો સાથેની લડાઇમાં બીજા 50 પથ્થરબાજો ઘાયલ થઈ ગયા. ત્યારબાદ કાર્યવાહીને અટકાવવી પડી. સુરક્ષાદળો જ્યારે જતા રહ્યા તો પથ્થરબાજોએ આતંકવાદીઓને બહાર કાઢ્યા અને તેમને પોતાના ખભા પર મૂકીને નારા લગાવ્યા.