PM મોદીને પત્ર લખનારી “ગેંગ” વિરુદ્ધ ઉતરી વધુ 14 હસ્તીઓ, પદ્મશ્રીથી માંડી પૂર્વ વાઈસ ચાન્સેલર સુધીના લોકો સામેલ
તાજેતરમાં દેશના 49 બુદ્ધિજીવીઓ દ્વારા વડાપ્રધાન મોદીને એક ખુલ્લો પત્ર લખીને અસહિષ્ણુતા અને મોબ લિંચિંગની ઘટનાઓની નિંદા કરવામાં આવી હતી અને સરકારને આ દિશામાં કડક પગલા ઉઠાવવાની માગણી કરવામાં આવી હતી. તેના થોડાક દિવસો બાદ અન્ય 62 બુદ્ધિજીવીઓએ મોબ લિંચિંગ પર લખવામાં આવેલા 49 બુદ્ધિજીવીઓના ખુલ્લા પત્રની ટીકા કરતા પીએમ મોદીને પત્ર લખીને સરકાર પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. હવે 14 અન્ય હસ્તીઓએ પણ પત્ર લખીને સરકારને સમર્થન આપ્યું છે.
તાજો પત્ર લખનારા 14 મહાનુભાવોમાં પદ્મશ્રીથી સમ્માનિત પત્રકાર વિષ્ણુ પંડયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરા, પદ્મશ્રીથી સમ્માનિત કેન્સર સર્જન ડૉ. દેવેન્દ્ર પટેલ, પદ્મશ્રીથી વિભૂષિત ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ડૉ. ચંદ્રશેખર, જબલપુર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. એ. ડી. એન. બાજપાઈ, વરિષ્ઠ પત્રકાર તરુણ દત્તાણી, વિનાયક મિશન યુનિવર્સિટી ચેન્નઈના ભૂતપૂર્વ કુલપતિ વી. આર. રાજેન્દ્રન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. કલ્પક ત્રિવેદી, વરિષ્ઠ પત્રકાર ડૉ. શિરીષ કાશીકર, અગ્રણી નૃત્યાંગના અને કલાગુરુ સ્મિતા શાસ્ત્રી, વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ શીપ્રા ધર, વરિષ્ઠ ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ડૉ. હેમંત ગુપ્તા, અલ્હાબાદ હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ રાજેન્દ્ર પાંડે અને દિલ્હી હાઈકોર્ટના સિનિયર કાઉન્સેલ આર. પી. લૂથરાનો સમાવેશ થાય છે. આ પત્ર અમદાવાદથી મોકલવામાં આવ્યો છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 49 હસ્તીઓએ પીએમ મોદીને ખુલ્લો પત્ર લખીને દેશનો માહોલ ખરાબ કરવા અને કોમવાદી સદભાવને બગાડવાની કોશિશ કરી છે. પત્ર મુજબ, વડાપ્રધાન સતત મોબ લિંચિંગની ઘટનાઓની વિરુદ્ધ પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યુ છે કે આવ ઘટનાઓ થાય નહીં. હવે આવી સ્થિતિમાં અમને લાગે છે કે શું આ સાચું છે કે બુદ્ધિજીવીઓ અથવા કલાકાર આવા પ્રકારની નકારાત્મક માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે?
આ 14 હસ્તીઓએ લખેલા પત્રમાં મોબ લિંચિંગનો મુદ્દો ઉઠાવનારા બુદ્ધિજીવીઓ અને કલાકારોને પક્ષપાતી ગણાવીને સમાજના એક પક્ષને ખુશ કરવાના ઉદેશ્યથી 49 લોકોએ ખુલ્લો પત્ર લખ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. પત્ર પ્રમાણે દેશની જનતાએ પણ જનાદેશને રૂપમાં પોતાનો જવાબ આપ્યો છે. આ પત્ર લખનારા 14 બુદ્ધિજીવીઓએ કહ્યુ છે કે અમે આની માત્ર ટીકા કરતા નથી, પરંતુ સરકારની સૌના સાથ- સૌના વિકાસની નીતિને પણ સમર્થન આપીએ છીએ.