ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટમાં બમ્પર રોકાણ કરવાથી તેના દ્વારા અન્ય દેશોની જમીન પર સૈન્ય અને રણનીતિક સરસાઈ પ્રાપ્ત કરી લેશે. આ કોરિડોર જે દેશોમાંથી પસાર થશે, તેમના ઉપર નકારાત્મક આર્થિક પ્રભાવ પડશે અને સાર્વભૌમત્વ ખતરામાં પડશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને આના સંદર્ભે ચેતવણી આપી છે.
‘ચીનની વધતી વૈશ્વિક પહોંચની અમેરિકા પર અસર’ શીર્ષક હેઠળ લખવામાં આવેલા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું સંરક્ષણ મંત્રાલય ઓબીઓઆર પ્રોજેક્ટ હેઠળ ચીનની વિસ્તારવાદી નીતિને લઈને ચિંતિત છે. આના કારણે પ્રોજેક્ટના સદસ્ય દેશોના સાર્વભૌમત્વ પર ખતરો છે. અમેરિકા અને તેના સહયોગી દેશોની સંરક્ષણ નીતિની દ્રષ્ટિએ પણ આ ચિંતાજનક છે.
ગત 2 કલાકમાં ચીન પર પેન્ટાગનનો આ બીજો રિપોર્ટ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વન બેલ્ટ-વન રોડ પ્રોજેક્ટ હેઠળ કેટલુંક રોકાણ એવું પણ થશે, જેનાથી ચીનને લશ્કરી સરસાઈ પણ પ્રાપ્ત થઈ શકે છે. લોજિસ્ટિક સપોર્ટ માટે ચીન વિદેશી પોર્ટો પર જરૂરી પહોંચ મેળવશે. હિંદ મહાસાગર, ભૂમધ્ય સાગર અને પેસિફિક મહાસાગરમાં તેઓ પોતાની નૌસૈન્ય ક્ષમતાને વધારી શકશે.
પેન્ટાગને પોતાના રિપોર્ટમાં આવા 17 મામલાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ચીનનું રોકાણ અને યોજનાઓએ રેગ્યુલર મિકેનિઝમને પ્રભાવિત કર્યું છે અને તેના સંદર્ભે દેશોની ઈકોનોમી પર વિપરીત અસર પડે છે. પેન્ટાગને કહ્યું છે કે ચીન અન્ય દેશોના નિર્ણયોમાં વીટો પાવર પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યું છે. આ સ્થિતિ અમેરિકાના કેટલાક સહયોગી દેશોની સાથે પણ છે. આવી પરિસ્થિતિ અમેરિકા માટે એક પડકારજનક બાબત છે.