મણિકર્ણિકા ફિલ્મનો કરણી સેના દ્વારા વિરોધ, કંગના રનૌતનો જવાબ ‘હું પણ રાજપૂત, નષ્ટ કરી નાખીશ’
મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી મામલે વિરોધ કરી રહેલી કરણી સેનાની ધમકીનો બોલીવુડની બોલ્ડ અને બેબાક એક્ટ્રેસ કંગના રનૌતે જવાબ આપ્યો છે. કરણી સેનાએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનેલી ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસીની રિલીઝનો વિરોધ કર્યો છે. તેમણે નિર્માતાઓને ધમકી આપી છે કે જો તેમને ફિલ્મ દેખાડવામાં નહીં આવે, તો તેઓ તોડફોડ કરશે અને મૂવીને થિયેટરોમાં પ્રસારીત થવા દેશે નહીં.
કંગના રનૌતે કરણી સેનાની ધમકીનો આકરો જવાબ આપતા કહ્યું છે કે તે કોઈનાથી ડરેલી નથી અને લડયા વગર હિંમત હારવાની નથી. કંગનાએ કહ્યું છે કે ચાર ઈતિહાસકારોએ મણિકર્ણિકાને જોઈ છે. તેમણે સેન્સર પાસેથી સર્ટિફિકેટ પણ લીધું છે. આના સંદર્ભે કરણી સેનાને પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ તેઓ સતત તેની હેરાનગતિ કરી રહ્યા છે. જો આવું બંધ નહીં થાય, તો ધમકી આપનારાઓને પણ ખબર હોવી જોઈએ કે તે પોતે પણ રાજપૂત છે અને આમાથી એક-એકને તે નષ્ટ કરી દેશે.
મહત્વપૂર્ણ છે કે મણિકર્ણિકા 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ પીરિયડ ડ્રામા, કંગનાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મણિકર્ણિકા દ્વારા કંગના રનૌત ડાયરેક્ટર તરીકે પણ ડેબ્યૂ કરી રહી છે. તેણે ડાયરેક્ટર કૃષના એનટીઆરની બાયોપિકમાં વ્યસ્ત થયા બાદ પ્રોજેક્ટનું નિર્દેશન ખુદ સંભાળ્યું હતું. શરૂઆતથી જ મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી વિવાદોમાં રહી છે. તો કરણી સેનાએ ગત વર્ષ પદ્માવતની રિલીઝનો પણ વિરોધ કર્યો હતો.
કરણી સેનાને આરોપ છે કે મણિકર્ણિકામાં રાણી લક્ષ્મીબાઈના કિરદારને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાણી લક્ષ્મીબાઈના અંગ્રેજ અધિકારી સાથેના કથિત અફેરના દ્રશ્યાંકનને લઈને કરણીસેના નારાજ છે. કરણી સેનાનો દાવો છે કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈનું એક ગીત પર નૃત્ય દર્શાવવામાં આવ્યું છે. આવું દ્રશ્યાંકન રાજપૂતોની સભ્યતાની વિરુદ્ધ છે.