અમદાવાદઃ દ્વારકાના ભાજપના આગેવાન પબુભા માણેકનું ધારાસભ્ય પદ હાઈકોર્ટે રદ કરતા હવે તેમને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કરવાની તથા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકારોનું પણ ધારાસભ્ય પદ રદ કરવાની કોંગ્રેસ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ માંગણી કરી હોવાનું જાણવા મળે છે. આમ બન્ને તેનાઓની મુશ્કેલીમાં આગામી દિવસોમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દ્વારકાના ઉમેદવાર પબુભા માણેકે ઉમેદવારી ફોર્મમાં મત વિસ્તારનો ઉલ્લેખ કર્યો ન હતો. જેથી આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. હાઈકોર્ટે સુનાવણીના અંતે તેમને ધારાસભ્ય પદ પરથી દૂર કરવા આદેશ કર્યો હતો. જેથી પબુભા માણેક દ્વારા આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હાઈકોર્ટના હુકમ સામે સ્ટેની માંગણી કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે તેમને રાહત નહીં આપતા મુશ્કેલીમાં વધારો થયો હતો. બીજી તરફ રાઘનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. તેમજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિરોધમાં પ્રચાર પણ કર્યો હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના તમામ હોદ્દા પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે તેમનું ધારાસભ્ય પદ કરવા માટેની કવાયત આરંભી હતી. દરમિયાન કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા ભાજપના નેતા પબુભા માણેક અને અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસની રજૂઆત બાદ આગામી દિવસોમાં વિધાનસભાના અધ્યક્ષ શું નિર્ણય કરે છે તેની ઉપર તમામની નજર મંડાયેલી છે.