ભુજઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ભૂકંપનો સીલસીલો યથાવત રહ્યો હોય તેમ વહેલી સવારે ભૂકંપના બે આંચકા આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ એક મહિનાના સમયગાળામાં કચ્છમાં લગભગ 60 વખત ભૂકંપના આંચકા નોંધાયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભચાઉમાં
વહેલી સવારે 3.05 કલાકે લગભગ 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા નિદ્રા માંણી રહેલા
લોકો જાગી ગયા હતા. તેમજ ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. આ ધરતી કંપનું
કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોંધાયું હતું. ત્યાર બાદ સવારે 7 કલાકે ફરી એક
વાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તિવ્રતા રીક્ટરસ્કેલ પર ૧.૨ની
નોંધાઈ હતી અને કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૨
કીમી દુર નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભમાં ભેદી ધડાકા થતા
હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. આમ ગણતરીના કલાકોમાં જ ભૂકંપના બે આંચકા આવતા
લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર
હળવા આંચકા નોંધાય છે. કચ્છમાં છેલ્લા એક મહિનામાં ભૂકંપના લગભગ 60 જેટલા આંચકા
નોંધાયા છે.