Site icon Revoi.in

વર્લ્ડ મીડિયામાં પણ છવાયા મોદી, ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યું: મોદી મજબૂત છબિથી જીત્યા, ધ ડોને લખ્યું- આ જીત પાકવિરોધી નીતિ પર મહોર

Social Share

લોકસભા ચૂંટણીમાં ભગવો લહેરાઈ ચૂક્યો છે. 303 સીટ બીજેપી એકલી પોતાના દમ પર જ લઈ આવી છે અને અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. ત્યારે વર્લ્ડ મીડિયાએ પણ નરેન્દ્ર મોદીની આ જીતની નોંધ લીધી છે અને કહ્યું કે નરેન્દ્ર મોદી પર જનતાના વિશ્વાસનું આ પરિણામ છે. ચૂંટણી પરિણામના શરૂઆતના વલણોમાં બીજેપીને સ્પષ્ટ બહુમત મળતા જોયા પછી અમેરિકાના ‘ધ ન્યુયોર્ક ટાઇમ્સ’એ લખ્યું કે, મોદી મજબૂત છબિના કારણે જીત્યા. ભાજપના આ મોટાં નેતા સામે અવરોધો ઊભા કરવા વિપક્ષ માટે મુશ્કેલ બની ગયું. પાકિસ્તાનના ‘ધ ડોન’એ લખ્યું – મોદીની આ જીત પાકિસ્તાન વિરોધી નીતિ પર મહોર છે.

જાણો વિશ્વના કયા મીડિયાએ મોદીની જીત માટે શું લખ્યું.

ધ ન્યુયોર્ક ટાઇમ્સ: મોદી હિન્દુ રાષ્ટ્રવાદની રાજનીતિના બ્રાન્ડ

થોડાં મહિના અગાઉ જ્યારે મોદી આર્થિક મોરચે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે જે પરિણામો વિશ્લેષકોએ વિચાર્યા હતા, આ જીત તેમના વિચારોથી ક્યાંય વધુ પ્રભાવી હશે. હિન્દુ રાષ્ટ્રવાદની રાજનીતિના બ્રાન્ડ બની ચૂકેલા મોદીએ આખા વિશ્વમાં ભારતની મજબૂત છબિ રજૂ કરવાની કોશિશ કરી હતી. તેઓએ દેશના 91 કરોડ મતદાતાઓને સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યા. મોદીને વેપાર માટે પણ યોગ્ય ગણવામાં આવ્યા છે. તેઓએ ટેક્સ વ્યવસ્થા સરળ કરી અને ભ્રષ્ટાચાર પર લગામ લગાવી. એશિયામાં ભારતનું સ્ટોક માર્કેટ એક સંભાવનાઓવાળું સ્થળ છે. જ્યારે અમેરિકાની સાથે ટ્રેડ વૉરના કારણે ચીનના શૅર્સને ઘણું નુકસાન વેઠવું પડ્યું.

ધ ગાર્ડિયન: એક્ઝિટ પોલ સાચા સાબિત થયા

એક્ઝિટ પોલમાં જે પરિણામો દર્શાવવામાં આવ્યા હતા, તે સાચા સાબિત થયા. મોદીનું ભાજપ સત્તામાં વાપસી માટે તૈયાર છે. તેઓને અટકાવવા બનતા તમામ પ્રયત્નો થયા, પરંતુ જનતાએ આ કદાવર નેતા અને તેમની પાર્ટીમાં ભરોસો જાળવી રાખ્યો.

BBC: મોદીની ઐતિહાસિક જીત થઈ

લોકસભા ચૂંટણીમાં મોદીની ઐતિહાસિક જીત થઇ. રુઝાન સામે આવતા જ ભારતના સ્ટોક માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો. મોદી સામે ભારતના ભાગલા પાડવાના આરોપો લાગ્યા, પરંતુ પરિણામ દર્શાવી રહ્યા છે કે, તેઓને ધ્રુવીકરણવાળી છબીને લોકોએ ઘણી પસંદ કરી.

CNN: આખા વિશ્વમાં મોદીને ગંભીરતાથી લેવામાં આવે છે

અગાઉની ચૂંટણીમાં મોદીનું સૂત્ર હતું, ‘સબકા સાથ સબકા વિકાસ.’ આ વર્ષે તેઓએ પોતાને ચોકીદાર કહ્યા. તેઓએ પ્રભાવી રીતે પોતાને દેશના રક્ષક ગણાવ્યા. આ એક અલગ જ સંદેશ છે. એક ચીજ જેણે મોદીને 2014માં અત્યંત લોકપ્રિય બનાવ્યા હતા, તે હતી અર્થવ્યવસ્થા માટે તેઓએ કરેલા વાયદા. માત્ર ભારત જ નહીં, આખા વિશ્વમાં આ નીતિના કારણે તેઓને ગંભીરતાથી લેવામાં આવે છે.

જિયો ન્યુઝ, પાકિસ્તાન: પુલવામા બાદ ભાજપને ફાયદો

પાકિસ્તાનની ચેનલ જિયો ટીવીએ પોતાની વેબસાઇટ પર લખ્યું, મોદી ચૂંટણી પ્રચારની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણીમાં કેટલાંક રાજ્યમાં હાર અને મોંઘવારી-બેરોજગારી પર ગુસ્સાના કારણે દબાણમાં હતા. જો કે, પુલવામા બાદ આ અભિયાન ભારતના પરમાણુ શક્તિ સંપન્ન પાડોશી પાકિસ્તાનની સાથે સંબંધો તરફ વળી ગયું. ભાજપે અત્યંત પ્રભાવી કેમ્પેઇનર મોદીના સ્ટાર પાવરનો ફાયદો ઉઠાવ્યો. ભાજપની ચૂંટણી મશીનરી પણ જમીની સ્તર પર વધુ પ્રભાવી હતી.

ધ ડોન: શું મોદી ઇમરાનના શાંતિ પ્રસ્તાવને મહત્વ આપશે

મોદી 2-0થી આગળ રહ્યા હતા. મતલબ એ છે કે, પાકિસ્તાન પ્રત્યે ભાજપની નીતિ નહીં બદલાય અને બંને દેશોમાં તણાવ પણ નહીં ઘટે. સવાલ એ પણ છે કે, શું મોદી ઇમરાન ખાનના શાંતિ પ્રસ્તાવને મહત્વ આપશે.