કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ એક સૂત્ર પણ આપ્યું છે. તેમણે કહ્ય છે કે જો હમસે ટકરાયેગા, વો ચૂરચૂર હો જાયેગા. આને મમતા બેનર્જીએ પોતાનું સૂત્ર ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કોલકત્તાના રેડ રોડ પર ઈદની નમાજ બાદ મુસ્લિમોને સંબોધિત કરતા કહ્યુ છે કે તેમની લડાઈમાં તેઓ સાથ આપે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે ત્યાગનું નામ છે હિંદુ, ઈમાનનું નામ છે મુસ્લિમ, પ્રેમનું નામ છે ખ્રિસ્તી, શીખોનું નામ છે બલિદાન. આ છે આપણું પ્યારું હિંદુસ્તાન, તેની રક્ષા આપણે લોકો કરીશું. જો હમસે ટકરાયેગા વો ચૂરચૂર હો જાયેગા, આ આપણું સ્લોગન છે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે ડરવાની વાત નથી. મુદઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ. ઘણીવાર જ્યારે સૂરજ ઉગે છે, તો તેના કિરણો ઘણાં ચુભે છે. પરંતુ ધીરેધીરે તે શાંત થઈ જાય છે. ડરો નહીં. જેટલી ઝડપથી તે ઈવીએમને કેપ્ચર કરી રહ્યા છે, એટલી જલ્દીથી તેઓ જતા પણ રહેશે.
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ વધી છે. ચૂંટણી પરિણામોથી ઉત્સાહિત ભાજપ તેજીથી પોતાનો જનાધાર વધારવામાં લાગ્યું છે. જ્યારે મમતા બેનર્જી પોતાના જનાધારને બચાવવાની કોશિશમાં છે. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકો છે. જેમાંથી ભાજપને 18 અને મમતા બેનર્જીની ટીએમસીને 22 બેઠકો પર જીત મળી છે.