અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 1300થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે પ્રજા કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન અપનાવી રહી છે. રાજકોટ, સાબરકાંઠા અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પ્રજા અને વેપારીઓએ સ્વંયભૂ લોકડાઉન અપનાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના શહેરો ઉપરાંત ગામમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે અને ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આવી જ રીતે રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે, આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે અને અત્યાર સુધીમાં એક લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. બીજી તરફ સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. અનલોકમાં કોરોનાના કેસ ગ્રામ્ય વિસ્તારોમાં વધ્યાં છે. જેથી લોકો ચિંતામાં મુકાયાં છે.