જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કાશ્મીરમાં તણાવની પાછળ ધર્મનો મહત્વનો હાથ છે. તેની સાથે જ તેમણે ફરીથી બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું છે. આ મુદ્દાને પાકિસ્તાન ઘણાં દેશોની સામે ઉઠાવી પણ ચુક્યું છે. પરંતુ તમામ દેશોએ આને ભારતનો આંતરીક મામલો ગણાવ્યો છે. આ મામલામાં હસ્તક્ષેપ કરવાથી અમેરિકાએ પણ ઈન્કાર કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યુ છે કે તેઓ કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફરીથી ચર્ચા કરશે. પીએમ મોદી સાથે આ ચર્ચા ટ્રમ્પ જી-7 સમિટ દરમિયાન કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યુ છે કે હું ફ્રાંસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહીશ, મે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે પણ અલગથી વાતચીત કરી હતી. સાથે તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ ફરીથી આ મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.
જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બનેલો છે. જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરવા પર પાકિસ્તાને વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370 હટાવવી ભારતનો અંગત નિર્ણય હતો. પાકિસ્તાને સચ્ચાઈ સ્વીકારવી જોઈએ.
ટ્રમ્પે કહ્યુ છે કે બંને દેશોની વચ્ચે તણાવ છે અને અમે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યુ છે કે હું પુરી કોશિશ કરીશ કે હું મધ્યસ્થતા કરું અથવા કંઈક બીજું કરી શકું. અમારા ભારત અનેપાકિસ્તાન સાથે ઘણાં સારા સંબંધ છે. બંને શાનદાર વ્યક્તિત્વો છે અને બંને પોતાના લોકો સાથે ઘણો પ્રેમ પણ કરે છે. પરંતુ હાલ બંને વચ્ચે દોસ્તી નથી.
કાશ્મીર મામલે ભારત સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે તે આમા કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ ઈચ્છતી નથી. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. ટ્રમ્પે કહ્યુ છે કે સાચું કહું તો, આ એક ઘણી વિસ્ફોટક સ્થિતિ છે. મે કાલે વડાપ્રધાન ઈમરાનખાન સાથે વાત કરી, વડાપ્રધાન મોદી સાતે પણ આ મુદ્દા પર વાત કરી. તે બંને મારા મિત્રો છે અને તે બંને પોતપોતાના દેશથી પ્રેમ કરે છે. આ એક જટિલ સ્થિતિ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કાશ્મીરની હાલની તણાવપૂર્ણ સ્થિતિ પાછળ ધર્મની પણ ભૂમિકા છે. તેમણે કહ્યુ છે કે ત્યાં ધર્મ એક જટિલ મામલો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ઉપખંડમાં આ મામલા પર સેંકડો વર્ષોથી ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રમ્પે આગળ કહ્યુ કે કાશ્મીર ઘણું જ જટિલ સ્થાન છે. ત્યાં હિંદુ છે અને મુસ્લિમ પણ છે. હું એવું કહીશ નહીં કે બંનેનો સાથે ઘણો સારો રહ્ય છે, પરંતુ હાલની સ્થિતિ જ વાસ્તવિકતા છે. આ બંને દેશ નક્કી કરશે. તેમણે કહ્યુ છે કે લાંબા સમયથી બંને દેશ સાથે આવ્યા નથી.