જમ્મુ-કાશ્મીરમાં કલમ-14 લગાવવા અને ઈન્ટરનેટ પર રોક છતાં ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના ટ્વિટ કરવાના મામલામાં બીએસએનએલના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીને દૂરસંચાર સેવા પર રોક છતાં ઈન્ટરનેટ એક્સેસ આપવાના મામલામાં બીએસએનએલના અધિકારી શંકાના ઘેરામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને અસરહીન કરવાની કાર્યવાહી બાદ સરકારે આગોતરા પગલાના ભાગરૂપે કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દીધી હતી. આ સુવિધા પર ઓગસ્ટથી રોક લગાવવામાં આવી હતી. પરંતુ ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની પાસે 8 દિવસ સુધી લેન્ડલાઈન અને ઈન્ટરનેટ સેવા ચાલુ હતી. સૂત્રો મુજબ, અધિકારીઓ એ પણ ખબર નથી પડી શકી કે ગિલાની કાશ્મીરમાં ઈન્ટરનેટ એક્સેસ કરી રહ્યા છે અથવા નહીં, તેમણે પોતાના એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું હતું.
આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગિલાની કેવી રીતે ઈન્ટરનેટ અને લેન્ડલાઈન સુવિધા મેળવી શક્યો હતો. બીએસએનએલએ આના સંદર્ભે બે અધિકારીઓ પર એક્શન લીધા છે. અધિકારીઓના લૂપ હોલ્સ બાબતે જાણકારી મળ્યા બાદથી ગિલાનીની સર્વિસ બંધ કરવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે ગિલાની પોતાના એકાઉન્ટમાંથી સતત ભારત વિરોધી પોસ્ટ કરતો રહ્યો છે. ઘણાં યૂઝર્સ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ગિલાનીને પાકિસ્તાન મોકલવાની માગણી પણ કરી ચુક્યા છે. જુલાઈમાં તેના પ્રવક્તા ગુલઝાર અહમદ ગુલઝારને પણ જનસુરક્ષા અધિનિયમ પ્રમાણે એરેસ્ટ કરવામાં આવ્યો હતો.
કાશ્મીર ખીણમાં ફોન સેવાઓ ધીરેધીરે બહાલ થઈ રહી છે. અહીં સ્કૂલોને ખોલવામાં આવી છે અને કલમ-144માં ઢીલ આપવામાં આવી છે. શ્રીનગરમાં આજથી સ્કૂલ, લેન્ડલાઈન ખુલશે. લગભગ 14 દિવસ બાદ કાશ્મીર ખીણમાં સ્કૂલ, કોલેજ ખુલ્યા છે. તેવામાં ફરી એકવાર સુરક્ષાદળો માટે શાંત માહોલ બનાવવાનો પડકાર છે. અનુચ્છેદ-370 કમજોર થવી અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદથી જ કાશ્મીરમાં કલમ-144 લાગુ હતી.
તો જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગ તરફથી સોમવારે સવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અફવા ફેલાવવામાં આવી રહી છે કે જમ્મુ-કાશ્મીર પોલીસના હથિયાર જપ્ત કરાઈ રહ્યા છે. પરંતુ આ અફવા છે. ગૃહ વિભાગે અપીલ કરી છે કે આવા પ્રકારની કોઈ ખબર પર વિશ્વાસ કરો નહીં.