Site icon hindi.revoi.in

ગુજરાતમાં સંતાનોના અભ્યાસ માટે વાલીઓની પ્રથમ પસંદગી બની સરકારી શાળાઓ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સંતાનોના સારા એજ્યુકેશન માટે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી સ્કૂલને ખાનગી સ્કૂલ તરફ વળ્યાં હતા. જેથી રાજ્યમાં ખાનગી સ્કૂલોના રાફડો ફાડ્યો છે. પરંતુ ખાનગી સ્કૂલમાં ફીમાં સતત વધારો તથા સ્કૂલના અન્ય ખર્ચાઓને પગલે કંટાળેલા વાલીઓ ફરીવાર સરકારી તથા મનપા સંચાલિક સ્કૂલમાં સંતાનોને અભ્યાસ કરવા માટે મુકતા થયાં છે. બીજી તરફ મનપા સંચાલિક તથા સરકારી શાળાઓમાં પણ એજ્યુકેશન પદ્ધતિમાં કરવામાં આવેલા ફેરફારને વાલીઓએ આવકાર્યો છે. રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં 2 લાખથી વધારે બાળકોએ મનપા સંચાલિત તથા સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યની મેગાસિટી અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલને બદલે મનપા સંચાલિક શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ દ્વારા દર વર્ષે તોતીંગ ફીમાં વધારો કરવામાં આવે છે. બીજી તરફ વાલીઓની માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં ફી નિયમન દ્વારા ખાનગી શાળાઓમાં ફીનું ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમ છતા કેટલીક ખાનગી શાળાઓ પોતાની મનમાની કરીને ફીની વસુલાત કરતા હોવાની ફરિયાદો ઉઠે છે. એટલું જ નહીં વાલીઓ દ્વારા સ્કૂલ સંચાલકો સામે આંદોલન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી સ્કૂલો દ્વારા ફીના નામે ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ સામે હાઈકોર્ટમાં પણ અરજી થઈ છે. આમ ખાનગી સ્કૂલો દ્વારા ફીના નામે વાલીઓ પાસેથી કરાતી ઉઘાડી લૂંટ અને સ્કૂલના અન્ય ખર્ચના નામે વસુલવામાં આવતા નાણાંથી વાલીઓ પણ હવે કંટાળ્યાં છે. બીજી તરફ રાજ્યમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણકાર્યને લઈને મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યાં છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં મનપા દ્વારા ખાનગી સ્કૂલોને ટક્કર માટે તેવી અંગ્રેજી માધ્યમની સ્માર્ટ સ્કૂલો પણ શરૂ કરવામાં આવી છે. જેથી વાલીઓ પોતાના સંતાનોને સરકારી અને મનપા સંચાલિક શાળામાં અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે.

રાજ્યમાં વર્ષ 2019-20માં 31382 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આવી જ રીતે વર્ષ 2014-15માં 30663, 2015-16માં 33177, 2016-17માં 42281, 2017-18માં 34650 અને વર્ષ 2018-19માં 33822 વિદ્યાર્થીઓએ સરકારી અને મનપા સંચાલિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આમ રાજ્યમાં છ વર્ષમાં વાલીઓએ લગભગ 2.06 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. અમદાવાદમાં છ વર્ષના સમયગાળામાં 31165 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને છોડીને મનપા સંચાલિક શાળામાં પ્રવેશ લીધો હતો. રાજ્યમાં સૌથી વધારે સુરતમાં 44907 વિદ્યાર્થીઓએ મનપા સંચાલિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

Exit mobile version