દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશની સરહદોની સુરક્ષા વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ નવા સુરક્ષા મોડલ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની આંતરિક સુરક્ષા CRPF સંભાળશે. તેમજ સરહદની સુરક્ષા BSF, ITBP જેવા સુરક્ષાદળો કરશે. આ સુરક્ષા એજન્સીઓને દેશની આંતરિક સુરક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિચારણા ચાલી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલય નવા સુરક્ષા મોડલ પર પણ કામ કરી રહ્યું છે. જે અંતર્ગત ચૂંટણી સહિતની આંતરિક સુરક્ષાનો ભાર દેશનું સૌથી મોટુ અર્ધ લશ્કરી દળ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ઉઠાવશે. CRPFમાં લગભગ 3 લાખથી વધારે સુરક્ષા કર્મચારીઓ છે અને દેશનું મહત્વનું આંતરિક સુરક્ષાદળ માનવામાં આવે છે.
CRPFના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી તથા દેશના વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં સ્થાનિક પોલીસ દળ અને CRPFના જવાનો 70-30 પ્રમાણે તૈનાત કરવામાં આવશે. ચૂંટણીમાં સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી CRPFની રહેશે. સરહદ પર સુરક્ષા કરતા દળો અને સશસ્ત્ર સરહદી દળોને તબક્કાવાર ચૂંટણીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોના અધિકારીઓ સાથેની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી હતી. દર વર્ષે સુરક્ષાદળોના જવાનોને સરહદ પરથી હટાવીને વિવિધ રાજ્યોમાં આંતરિક સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. તેમજ વિવિધ રાજ્યોમાં પોલીસની મદદ માટે મોકલવામાં આવે છે.