અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વમાં ગરબા મહોત્સવને લઈને હજુ અસમંજસ ભરી સ્થિતિ છે. જો કે, નવરાત્રિમાં અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં રાજ્યમાં તમામ મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ કચ્છમાં આશાપુરા માતાજીનો મઢ ભક્તોના દર્શન માટે નવરાત્રિ પર્વમાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, અમદાવાદવાસીઓ નવરાત્રિ મહોત્સવમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી શકશે. નવરાત્રિમાં નગરદેવી મા ભદ્રકાળી મંદિરને સરકારની ગાઇડલાઈન મુજબ ખુલ્લુ રાખવામાં આવશે. સામાજિક અંતર સાથે મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી શકશે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે નવરાત્રિમાં ગરબા મહોત્સવ યોજાશે કે કેમ તે અંગે હજુ અસમંજસ ભરી સ્થિતિ છે. રાજ્યના મોટાભાગના ગરબા આયોજકોએ કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગરબા મહોત્સવનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે શેરી ગરબા માટે મંજૂરી આપવાની માંગણી કરી હતી. જો કે, હજુ સુધી આ અંગે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.