હૈદરાબાદ:પંજાબમાં કોંગ્રેસ પોતાના બે મોટા નેતાઓ મુખ્યપ્રધાન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધૂની પારસ્પરીક લડાઈ વચ્ચે ઝઝૂમી રહી છે. તો બીજી તરફ દક્ષિણમાં તેલંગાણામાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. તેલંગાણામાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો સત્તારુઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી ચુક્યા છે. આ 12 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને પક્ષપલટાની જાણકારી આપી છે. કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યો પાર્ટી બદલી રહ્યા હોવાથી તેમની સદસ્યતા જશે નહીં, કારણ કે આવી સ્થિતિમાં તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં.
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસએ 119માંથી 88 બેઠકો જીતીને પોતાની બહુમતીથી સરકાર બનાવી છે. તો રાજ્યમાં કોંગ્રેસને માત્ર 18 બેઠકો જ પ્રાપ્ત થઈ છે. બીજી તરફ ચૂંટણી બાદથી જ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ થતી દેખાઈ રહી છે. કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો હજી પણ રાજ્યમાં પાર્ટીના નેતૃત્વથી નારાજ છે અને નજીકના ભવિષ્યમાં ટીઆરએસમાં સામેલ થાય તેવી સંભાવના છે.
કોંગ્રેસના 12 ધારાસભ્યોના ટીઆરએસમાં જવાના અહેવાલો પર તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એન. ઉત્તમકુમાર રેડ્ડીએ કહ્યુ છે કે અમે આની વિરુદ્ધ લોકતાંત્રિક ઢબે લડીશું. અમે સવારથી વિધાનસભા અધ્યક્ષનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ ગાયબ છે. તમે તેમને શોધવામાં અમારી મદદ કરો.
મહત્વપૂર્ણ છે કે 18માંથી 12 ધારાસભ્યો હવે સ્પીકરને પણ લેખિતમાં ટીઆરએસમાં વિલયની માગણી કરી ચુક્યા છે. તેમાં ટીઆરએસથી નીકળીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્ય રોહિત રેડ્ડી પણ સામેલ છે. જણાવવામાં આવે છે કે રોહિત રેડ્ડી નજીકના ભવિષ્યમાં પાર્ટીમાંથી રાજીનામું આપીને ટીઆરએસમાં સામેલ થાય તેવી શક્યતા છે. ટીઆરએસમાંથી સસ્પેન્ડ થયા બાદ રેડ્ડી કોંગ્રેસમાં પહોંચ્યા હતા.