અમદાવાદઃ હાથરસ ગેંગરેપ કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ સમગ્ર દેશમાં ઠેર-ઠેર લોકો વિરોધ કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં મનપાના સફાઈ કર્મચારીઓ પણ એક દિવસની હડતાળ ઉપર ઉતર્યાં છે. તેમજ આરોપીઓને ઝડપી સજા અપાવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાથરસ ગેંગરેપ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા એક દિવસની હડતાળની જાહેરાત કરી હતી. જેથી આજે અમદાવાદ શહેરમાં લગભગ 20 હજાર જેટલા સફાઈ કર્મચારીઓ કામકાજથી દૂર રહ્યું હતું. સફાઈ કર્મચારીઓ રેલી અને સુત્રોચ્ચાર વિના શાંતિપૂર્ણ રીતે કામથી દૂર રહીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કોરોનાને ધ્યાનમાં રાખીને સફાઈ કર્મચારીઓએ રેલી અને સભા નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાથરસ ગેંગરેપ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યાં હતા. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ઘટનાની વિરોધમાં દેખાવો યોજવામાં આવી રહ્યાં છે.