- કાશ્મીર મામલે તહસીન પૂનાવાલાની અરજી નામંજૂર
- સુપ્રીમ કોર્ટે પૂનાવાલાની અરજીને ફગાવી
- પૂનાવાલા રોબર્ટ વાડ્રાના સગાં
સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરમાં દૂરસંચાર અડચણો વિરુદ્ધ રોબર્ટ વાડ્રાના સગાં તહસીન પૂનાવાલાની અલગ અરજી પર વિચારણા કરવાનો સાફ ઈન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ ટીપ્પણી કરતા કહ્યુ છે કે તે શું કરે છે? તે કઈ પૃષ્ઠભૂમિના છે? જમ્મુ-કાશ્મીરની સાથે તેમનો શું સંબંધ છે? શું તે ચાહે છે કે તેઓ આવું બધું પુછે? પૂનાવાલા હવે હસ્તક્ષેપ અરજી દાખલ કરે તેવી શક્યતા છે.
એક સોશયલ એક્ટિવિસ્ટ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના બનેવી, પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અને કલમ-370ને અસરહીન કરાયા બાદ રાજ્યમાં લોકડાઉનના મુદ્દાને ઉઠાવ્યો હતો. પૂનાવાલાનો તર્ક હતો કે કલમ-370 રદ્દ થયા બાદ બંધારણના અનુચ્છેદ-19 પ્રમાણે બોલવાની આઝાદી અને અનુચ્છેદ-21 પ્રમાણે વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે જીવન જીવવના અધિકારનું હનન થઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કાશ્મીર ટાઈમ્સના કાર્યકારી સંપાદક, અનુરાધા ભસીનની અરજી પર પણ કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી અને આજે કોઈપણ આદેશને પારીત કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે આખરી સુનાવણી 16 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ની જોગવાઈઓને રદ્દ કરાયા બાદ અનુરાધા ભસીને રાજ્યમાં દૂરસંચાર પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે માહિતીઓના આદાન-પ્રદાન પર વ્યપક રોક, બોલવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો ભંગ કરે છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ અને લેન્ડલાઈન સેવાઓ સહીતની ટેલિકોમ સેવાઓના તમામ માધ્યમનોને તાત્કાલિક બહાલ કરવા માટે કેન્દ્ર સરકારને દિશા-નિર્દેશ જાહેર કરવાની માગણી કરી હતી.