- આનંદ શુક્લ
1857માં અંગ્રેજોથી સ્વતંત્ર થવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રયજ્ઞમાં બલિદાનોની હારમાળા સર્જાઈ હતી. સ્વતંત્રતાવીરોએ પોતાની પ્રબળ રક્તધારાઓથી કરેલી ક્રાંતિમાં કંપની રાજને વહાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તાત્કાલિક સફળતા મળી નહીં. આ બલિદાનોનું વર્ષો સુધી બળવો કહીને અપમાન થતું રહ્યું, પણ સ્વતંત્રતાવીર વિનાયક દામોદર સાવરકરે તેને સૌ પ્રથમવાર ભારતની આઝાદીની લડાઈ ગણાવી હતી. સંગ્રામના અંતે કંપની રાજના સ્થાને બ્રિટિશ તાજનું સીધું શાસન ભારતમાં આવ્યું હતું. તો તેના 100 વર્ષો બાદ 1947માં અંગ્રેજોને ભારત છોડવું પડયું હતું.
કંપની રાજ સામે ભારતીયોમાં વ્યાપ્ત ગુસ્સાના અંગારા આગ બનીને ધધકી રહ્યા હતા. આ આગની જ્વાળાઓ વધુ પ્રચંડ બની એક બંદૂક અને તેના કારતૂસને કારણે કંપની… રાજના સિપાહીઓને પેટર્ન 1853 એનફીલ્ડ રાઈફલ આપવામાં આવી હતી. 0.577 કેલીબરની બંદૂક બ્રાઉન બેસની જૂની બંદૂકો કરતા વધુ શક્તિશાળી અને અચૂક હતી. પરંતુ નવી બંદૂકમાં ફાયરિંગ માટે પ્રિકશન કેપનો ઉપયોગ કરાયો હતો. એનફીલ્ડ રાઈફલમાં ગોળી ભરવાની પ્રક્રિયા જૂની જ હતી. નવી એનફીલ્ડ રાઈફલમાં કારતૂસ ભરવા માટે કારતૂસને દાંતથી તોડવા પડતા હતા અને બાદમાં બારુદને બંદૂકની નળીમાં ભરીને કારતૂસ નાખવા પડતા હતા. કારતૂસને ભેજથી બચાવવા માટે તેના બહારી પડમાં ચરબી હતી.
સિપાહીઓમાં અફવા ફેલાઈ હતી કે કારતૂસમાં લાગેલી ચરબી સુવ્વર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવી છે. ગાયની ચરબી હિંદુ સૈનિકો માટે અને સુવ્વરની ચરબી મુસ્લિમ સિપાહીઓની ભાવનાઓને ભડકાવનારી હતી. અંગ્રેજ અધિકારીઓએ આ બાબતને અફવા ગણાવી હતી. પરંતુ તેની સાથે સિપાહીઓ માટેના નવા કારતૂસમાં બકરી અથવા મધમાખીની ચરબીનો ઉપયોગ કરવાનું સૂચન પણ કરી નાખ્યું હતું. તેનાથી ભારતીય સૈનિકોમાં કારતૂસમાં ગાય અને સુવ્વરની ચરબી હોવાની અફવા વધુ મજબૂત બની હતી. તેમ છતાં ભારતીય સૈનિકો પર આ એનફીલ્ડ રાઈફલ માટે કારતૂસ વાપરવા માટે દબાણ કરાયું હતું.
તેના કારણે અંગ્રેજી શાસન સામેના આક્રોશે વિદ્રોહનું રૂપ ધારણ કર્યું હતું. તે વખતે કહેવાતું હતું કે કંપની રાજની શરૂઆત 1757માં પ્લાસીના યુદ્ધથી થઈ હતી અને 1857માં 100 વર્ષ બાદ તે સમાપ્ત થઈ જશે. જેને કારણે કંપની રાજની સૈન્ય છાવણીઓમાં રોટી અને કમળના ફૂલ સાથે 10 મે, 1857ના રોજ એકસાથે વિદ્રોહ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
1857ના કંપની રાજ સામેના સૈન્ય વિદ્રોહ પહેલા તણાવનું વાતાવરણ બની ગયું હતું અને ઘણી આક્રોશાત્મક ઘટનાઓ બનાવા લાગી હતી. 24 જાન્યુઆરી, 1857ને કોલકત્તા નજીક આગચંપીની ઘણી ઘટનાઓ થઈ. 26 ફેબ્રુઆરી, 1857ને 19મી બંગાળ નેટિવ ઈન્ફેન્ટ્રીએ નવા કારતૂસનો ઉપયોગ કરવાનો ઈન્કાર કર્યો હતો. રેજિમેન્ટના અધિકારીઓએ તોપખાના અને ઘોડેસવાર સૈનિકોની મદદથી તેનો વિરોધ કર્યો હતો. પરંતુ બાદમાં પરિસ્થિતિ વણસવાની શક્યતાને આધારે વાત માની લીધી હતી.
પરંતુ 29 માર્ચ, 1857ને બંગાળના કોલકત્તાની નજીક બેરકપુર છાવણીમાં એક ભારતીય સિપાહીના ગુસ્સાનો જ્વાળામુખી ફાટયો હતો અને તેની સાથે દેશભરમાં કંપની રાજ સામે વિદ્રોહ ફાટી નીકળ્યો હતો. આ સૈનિક હતા… 34મી બંગાળ નેટિવ ઈન્ફન્ટ્રીના સિપાહી મંગલ પાંડે. ગાય અને સુવ્વરની ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો મંગલ પાંડેએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. જનરલ જોન હેએરસેયે પ્રમાણે, મંગલ પાંડે કોઈ ધાર્મિક પાગલપણામાં હતા. જનરલે જમીદાર ઈશ્વરી પ્રસાદને મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પણ જમીદારે મંગલ પાંડેની ધરપકડ કરવાનો ઈન્કાર કર્યો હતો. આખી રેજિમેન્ટમાંથી માત્ર સિપાહી શેખ પલટુને બાદ કરતા તમામ સૈનિકોએ પાંડેની ધરપકડ કરવાનો હૂકમ માનવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે મંગલ પાંડેએ પોતાના સાથી સૈનિકોને ખુલ્લેઆમ વિદ્રોહ કરવાની હાકલ કરી હતી. કોઈએ તેમની વાત નહીં માનતા તેમણે જાતે પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં મંગલ પાંડે માત્ર ઘાયલ થયા હતા. 6 એપ્રિલ, 1857ના રોજ મંગલ પાંડેનો કોર્ટ માર્શલ કરીને 8મી એપ્રિલે તેમને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા હતા. મંગલ પાંડે ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ છે.
તો જમીનદાર ઈશ્વરી પ્રસાદને પણ ફાંસી આપવામાં આવી અને રેજિમેન્ટને સમાપ્ત કરવામાં આવી હતી. તો સિપાહી શેખ પલટુને પદોન્નતિ આપીને બંગાળ સેનાના જમીદાર બનાવવામાં આવ્યો હતો. કંપની રાજની અન્ય રેજિમેન્ટોએ અંગ્રેજ અધિકારીઓના વલણ સામે વિદ્રોહની શરૂઆત કરી દીધી હતી. દિલ્હીના છેલ્લા મુઘલ શહેનશાહ બહાદૂરશાહ ઝફરના નેતૃત્વમાં કંપની રાજના સૈનિકોએ સમગ્ર ભારતમાં કંપની રાજ સામે સ્વતંત્રતા સંગ્રામ કર્યો હતો. કાનપુરમાં નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપે, અવધની બેગમો.. બિહારમાં કુંવરસિંહ… ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ સહીતના અનેક રાજા-મહારાજા અને નવાબોએ વિદ્રોહનું નેતૃત્વ લીધું અને પોતાના બલિદાનો આપ્યા હતા.
પરંતુ શીખ, ગુરખા, રાજપૂત અને પઠાણ સૈનિકોના સાથથી અંગ્રેજોએ સ્વતંત્રતા માટેના પ્રથમ ક્રાંતિ સંગ્રામને કચડી નાખવામાં સફળતા મેળવી હતી. અંગ્રેજોએ છેલ્લા મુઘલ શહેનશાહ બહાદૂરશાહ ઝફરને રંગૂન ખાતે મૃત્યુ સુધી નજરબંધ રાખ્યા હતા. જો કે અંગ્રેજોને આ સંગ્રામમાં મોટું નુકસાન થયું હતું. કંપની રાજની બંગાળ સેનાની તમામ રેજિમેન્ટોએ બળવો કર્યો હતો. તો બમ્બઈ સેનાની 29માંથી ત્રણ રેજિમેન્ટોએ વિદ્રોહ કર્યો હતો. જો કે મદ્રાસ સેનાની 52માંથી એકપણ રેજિમેન્ટે વિદ્રોહમાં ભાગ લીધો નહીં. મદ્રાસ રેજિમેન્ટના કેટલાંક સૈનિકોએ બંગાળ સેનામાં કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. દક્ષિણ ભારતનો મોટો ભાગ નિઝામ અને મૈસૂરના રજવાડા દ્વારા શાસિત હતો અને તે બ્રિટિશ કંપની રાજ હેઠળ આવતા ન હતા. જેના કારણે અહીં મોટાભાગે શાંતિ જળવાઈ હતી.
1857ની અંગ્રેજો સામેની ભારતીય સૈનિકોની લડાઈને બળવા તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે તેને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણાવ્યો હતો. આ યુદ્ધના અંતે કંપની રાજના સ્થાને ભારત પર બ્રિટિશ તાજની સીધી સત્તા સ્થપાઈ હતી. તો તેના ઘણાં વર્ષો સુધી અંગ્રેજોએ લશ્કરી ક્રૂરતાથી તેમની સામે લડનારા વીરોને ફાંસીના માંચડે ચઢાવવાની પ્રવૃતિઓ ચલાવી હતી. તો ભારતીયતા ખતમ કરવા માટેની કાયદાકીય અને શૈક્ષણિક પ્રક્રિયા વધુ વેગવાન બનાવાઈ હતી. અંગ્રેજોએ ધાર્મિક આધારે સામાજિક સ્તરે વ્યાપ્ત ફૂટને રાજકીય સ્વરૂપ આપ્યું હતું. અંગ્રેજોના કથિતપણે વફાદાર સર સૈયદ અહમદે મુસ્લિમોને હિંદુઓથી અલગ કરીને બ્રિટિશ સરકારના મદદગાર બનાવવાનું બીડું ઉઠાવ્યું હતું. જેના કારણે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના દુશ્મન અંગ્રેજોને મુસ્લિમોના રક્ષક તરીકે સ્થાપિત કરાયા અને હિંદુઓને સત્તાથી દૂર રાખવા માટે અંગ્રેજો અને મુસ્લિમ નેતાઓએ સાથે મળીને કોશિશો કરી હતી.