- આનંદ શુક્લ
જશ પર જોડા મારવાની વૃતિને કારણે આઝાદીના આંદોલનમાં સૌથી આગળ રહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અખંડ ભારતના આશ્વાસન છતાં કોંગ્રેસ દ્વારા ભાગલા સ્વીકારવા બદલ આકરી ટીકા થાય છે. પરંતુ હકીકત એ છે કે અહિંસાવાદી ગાંધીજી ભારતના ભાગલા રોકવાની પ્રામાણિક કોશિશો કરી ચુક્યા હતા. પરંતુ સક્રિય રાજકારણમાંથી રચનાત્મક સામાજિક કાર્યોમાં લાગેલા ગાંધીજીની વાત કોંગ્રેસ દ્વારા માનવામાં નહીં આવતા તેમને પોતાના જીવનનો કોઈ હેતુ ખતમ થઈ રહ્યો હોવાનું લાગવા લાગ્યું હતું.
મહાત્મા ગાંધીને ભારતના ભાગલામાં સર્વનાશ દેખાતો હતો. તેઓ વિભાજનને આખરી શ્વાસ સુધી રોકવાની ઈચ્છા ધરાવતા હતા. મૌલાના આઝાદે નહેરુ અને પટેલ દ્વારા ભાગલાની માઉન્ટબેટનની યોજના પર સંમતિની વાત સાંભળીને ગાંધીજી સ્તબ્ધ બની થઈ ગયા હતા.
પાકિસ્તાન નામંજૂર
“જો કોંગ્રેસ ભાગલા સ્વીકારવા માંગે છે તો તેમ મારી લાશ પર જ થશે. જ્યાં સુધી હું જીવિત છું, હું ભારત વિભાજન સ્વીકારીશ નહીં અને શક્ય હશે તો હું કોંગ્રેસને તેનો સ્વીકાર પણ નહીં કરવા દઉં.” – ગાંધીજી (આઝાદ- ઈન્ડિયા વિન્સ ફ્રીડમ, પૃ,- 186)
ગાંધીજીની અહિંસાવાદિતાએ તેમને મહાત્માપણું બક્ષ્યું હતું. પરંતુ ભારતને આઝાદ કરાવવા માટે રક્તસ્નાનની જરૂરત પડશે.. તે અહિંસા છતાં થશે તેવો સ્પષ્ટ સંદેશ તેમણે વાઈસરોય લોર્ડ વાવેલ અને લોર્ડ માઉન્ટબેટનને જણાવ્યો હતો.
સ્પષ્ટ સંદેશો-
“તમારે તમારા પુરોગામીઓના અન્યાયનું પ્રાયશ્ચિત કરવું પડશે. બ્રિટિશ હકૂમતની- ભાગલા પાડો, રાજ કરોની નીતિ અમને આવી સ્થિતિમાં લઈ આવી છે કે આજે અમારી સામે બે જ રસ્તા છે. એક રસ્તો છે બ્રિટિશ હકૂમતને પહેલાની જેમ ચાલવા દેવામાં આવે અથવા રક્તસ્નાન દ્વારા યોગ્ય ઉકેલ શોધવામાં આવે. આ બંને માર્ગમાંથી કોઈ એકને પસંદ કરવાનો સમય આવી ગયો છે.” – ગાંધીજી (એલન કેમ્પવેલ જોનસન – માઈ મિશન વિથ માઈન્ટબેટન, પૃ.- 25)
પ્રાર્થનાસભામાં પુનરોચ્ચાર
જો સંપૂર્ણ ભારત સળગી ઉઠશે, તો પણ અમે પાકિસ્તાનની માગણી સ્વીકારીશું નહીં, જો મુસ્લિમો પોતાની તલવારની અણિએ લેવા ચાહશે ત્યારે પણ નહીં. – ગાંધીજી (માઈકલ એડવડ્ર્સ, લાસ્ટ ઈયર્સ ઓફ બ્રિટિશ ઈન્ડિયા, પૃ.- 179)
મહાત્મા ગાંધીની અસંમતિ છતા વિભાજનનો સ્વીકાર કરાતા તેમને લાગ્યું કે તેમના જીવનનો ઉદેશ્ય સમાપ્ત થઈ ગયો છે અને હવે તેમણે પણ ખતમ થઈ જવું જોઈએ. ગાંધીજી ભાગલાનો અસ્વીકાર કરીને બાકીનું જીવન પાકિસ્તાનમાં વીતાવવા માંગતા હતા.
ગાંધીજીની અંતર્વ્યથા
“આજે હું બેહદ એકલો પડી ગયો છું. ત્યાં સુધી કે સરદાર અને નહેરુ પણ ભાગલા સંદર્ભેની મારી જે ધારણા છે તેને ખોટી માને છે અને વિચારે છે કે વિભાજનને સ્વીકારવાથી શાંતિ આવશે. હું સારી રીતે જોઈ રહ્યો છું કે આપણે લોકો આ સમસ્યાનો ખોટો ઉકેલ શોધી રહ્યા છીએ. બની શકે કે આપણે તાત્કાલિક તેની અસરનો અનુભવ કરી શકીએ નહીં, પરંતુ હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ કિંમત પર પ્રાપ્ત કરેલી સ્વતંત્રતાનું ભવિષ્ય અંધકારમય છે. તેના કારણે મારો આત્મા ઘણો દુ:ખી છે. બધાંન માલૂમ થાય કે હું ભારત વિભાજન સાથે ક્યાંય જોડાયેલો નથી. બની શકે કે હું એકલો આમ વિચાર ધરાવું છું. તેમ છતાં હું વારંવાર કહું છું કે ભાગલા નુકસાનકારક સાબિત થશે.” – ગાંધીજી (પ્યારેલાલ- ધ લાસ્ટ ફેઝ, ખંડ-2, પૃ.-214-15)
ભાગલાનો સ્વીકાર કરાયા બાદ મહાત્મા ગાંધી પર તેનો વિરોધ નહીં કરવાનો ગંભીર આરોપ લગાવાયો હતો. ત્યારે ગાંધીજીએ આરોપોનો ઉત્તર આપતા કહ્યું હતું કે-
આરોપનો જવાબ-
“મારા પર (આરોપ) લગાવાયછે કે મારું આશ્વાસન આજે કેટલું નબળું પડી રહ્યું છે કે ભારતનું વિભાજન મારા શરીરના વિભાજન બાદ થશે, તે સમયે મને વિશ્વાસ હતો કે મારી સાથે જનતા છે, મે વારંવાર કહ્યુ હતુ કે આપણે અસત્યા અને દુષ્ટતા સાથે સમજૂતી કરવાની નથી. આજે પણ વિશ્વાસ સાથે કહ્યુ છું કે જો તમામ બિનમુસ્લિમો મારી સાથે હોત તો ભારતનું વિભાજન થવા દેત નહીં. પરંતુ મારે વિશ્વાસ કરવો પડે છે કે લોકોનું સામૂહિક ચિંતન મારી સાથે નથી. માટે મારે અલગ થઈ જવું જોઈએ.” – ગાંધીજી (કલેક્ટેડ વર્ક્સ-XXX, VII, પૃ. – 117-18)
ગાંધીજીએ ભાગલાના દુષ્પરિણામોના અંદાજાને આધારે અવિભાજિત ભારતના વડાપ્રધાન બનવા માટે ઝીણા સામે પ્રસ્તાવ મૂક્યો હતો. આ એક ખતરનાક સોદો હતો. પરંતુ ભારતના ભાગલાના ભયાનક પરિણામો કરતા ઓછો જોખમી હોવાનું ગાંધીજી માનતા હતા. ભારતના ભાગલા આઝાદીને જોખમમાં નાખનારા અનિષ્ટને પેદા કરનાર ગણાવ્યા હતા. ગાંધીજીનો ઈશારો કદાચ ઈસ્લામિક કટ્ટરવાદ તરફ હોઈ શકે કે જેના કારણે ભારત પર ભીષણ ધર્માંધ આક્રમણો થયા અને અત્યાચારી શાસનોનો તબક્કો પણ આવ્યો હતો.