Site icon Revoi.in

અયોધ્યામાં 2005માં થયેલા આતંકી હુમલા પર 14 વર્ષ બાદ ચુકાદો, 4ને આજીવન કેદ- એક બરી

Social Share

નવી દિલ્હી: અયોધ્યામાં 2005માં થયેલા ટેરર એટેક પર મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ચાલી રહેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓ ડૉ. ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ અને ફારુક ને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને બરી કરવામાં આવ્યો છે. આ આરોપીઓ પર હુમલાની સાજિશ રચવાનો આરોપ હતો. તેઓ નૈની જેલમાં જ બંધ હતા. આ મામલાની સુનાવણી સ્પેશયલ જજ દિનેશ ચંદ્ર કરી રહ્યા હતા.

5 જુલાઈ-2005ના રોજ આતંકવાદી હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં કેટલાક સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ મામલામાં પાંચ આરોપીઓ ડૉ. ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ, મોહમ્મદ અઝીઝ અને ફારુક જેલમાં બંધ છે. ચુકાદાને કારણે અયોધ્યા અને નૈની જેલમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તકરવામાં આવ્યા હતા.

ગત 14 વર્ષોથી આ મામલામાં સુનાવણી અને ટ્રાયલ ચાલી રહી હતી. એક લાંબી સુનાવણી બાદ ન્યાયાધીશે 18મી જૂને ચુકાદો સંભળાવવાનું નિર્ધારીત કર્યું હતું. તપાસ દરમિયાન પોલસે પાંચ લોકોને સાજિશ રચવા, આતંકીઓની મદદ કરવાના આરોપમાં એરેસ્ટ કર્યા હતા. હુમલાખોર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

14 વર્ષની સુનાવણીમાં કુલ 63 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, ઘણીવાર વીડિયો કોન્ફરન્સિંગથી પણ સુનાવણી થઈ હતી.

પાંચમી જુલાઈએ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરમાં કડક સુરક્ષા વચ્ચે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકીઓ નેપાળના માર્ગે ભારતમાં ઘૂસ્યા હતા. જો કે સુરક્ષા એજન્સીઓએ એક જ કલાકમાં આતંકીઓને ઠાર કર્યા હતા.

આતંકીઓ ભક્તના વેશમાં અયોધ્યામાં ઘૂસ્યા હતા અને આખા વિસ્તારની રેકી કરી તથા ટાટા સૂમોમાં જ સફર કરી હતી. હુમલાથી પહેલા આતંકવાદીઓએ રામમંદિરના દર્શન પણ કર્યા હતા. ગાડીમાં જ સવાર થઈને આતંકીઓ રામજન્મભૂમિ પરિસરમાં આવ્યા અને સુરક્ષાચક્ર તોડીને અંદર ઘૂસ્યા હતા અને ગ્રેનેડ ફેંક્યા હતા.