દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના પીડિતોની દિવસ-રાત સેવા કરનારા કોરોના વોરિયર્સ તબીબો પણ કોરોનાના શિકાર બની રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 2174 જેટલા તબીબો કોરોનાથી સંક્રમિત થયાં છે. જે પૈકી 364 તબીબોના કોરોનાને કારણે મોત થયાં છે. તમિલનાડુમાં સૌથી વધારે 61 તબીબોમાં અવસાન થયાં છે. જ્યારે ગુજરાતમાં 38 ડોકટરના મોત થયાં છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોરોના મહામારી વચ્ચે દેશના વિવિધ રાજ્યમાં કુલ 364 ડોક્ટરોના મોત કોરોનાને કારણે થયા છે. દેશભરમાંથી અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરતા 2174 ડોક્ટર કોરોનાનો શિકાર બન્યાં છે. જે પૈકી 364 ડોક્ટરોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કોરોના દર્દીઓની સારવાર કરતા 1023 પ્રેક્ટિસિંગ ડોક્ટર, 827 રેસિડેન્ટ ડોક્ટર્સ અને 324 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાનો શિકાર બન્યા હતા.
કોરોનાને કારણે સૌથી વધુ તામિલનાડુમાં 61 તબીબોના મોત થયાં છે. આવી જ રીતે આંધ્રપ્રદેશમાં 41 ડોક્ટર, ગુજરાતમાં 38 ડોક્ટર, મહારાષ્ટ્રમાં 36 ડોક્ટર અને કર્ણાટકમાં 35 ડોક્ટરોનો કોરોનાએ જીવ લીધો છે.