અમદાવાદ: જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્ર, અમદાવાદ અને યુ.જી.સી. એચ. આર.ડી.સી., ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા કારગીલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં સમાજ વિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે જમ્મુ-કાશ્મીર ભ્રમણા અને સત્ય વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સર્વપ્રથમ કારગીલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં મુખ્ય વક્તા કર્નલ જયબંસસિંહે (સેવાનિવૃત્ત) (રક્ષા વિશ્લેષક અને મુખ્ય સંપાદક www.defenceinfo.com) કારગીલમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી કરવા પાછળનું કારણ જણાવતા કહ્યુ હતુ કે પાકિસ્તાન સિયાચીનમાં ભારતની ઉપસ્થિતિના બદલામાં કારગીલ કબજે કરવા માગતું હતું અને આમ કરીને કાશ્મીરના મુદ્દામાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ થાય તેવું ઈચ્છતું હતું. પરંતુ તેને ભારતની ત્વરીત જડબાતોડ પ્રતિક્રિયાનો અંદાજો ન હતો.
ભારતે સૌથી પહેલા પાકિસ્તાનની સપ્લાય અને કમ્યુનિકેશન લાઈન કાપી નાખી. ભારતીય સેનાના અદમ્ય સાહસે પાકિસ્તાનને હરાવીને કારગીલ પર વિજય પ્રાપ્ત કરાવ્યો. પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રભાવ ઉભો કરીને કૂટનીતિક ક્ષેત્રમાં પણ વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીર મામલે બોલતા કર્નલ જયબંસ સિંહે કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીર મામલે ઘણી ભ્રમણાઓ છે, જેમાં મુખ્ય છે જમ્મુ-કાશ્મીર એટલે વિલીનીકરણનો વિવાદ. આ એક ભ્રમણા ફેલાવવામાં આવી છે અને સત્ય એ છે કે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણને ત્યાંની બંધારણયી સભાએ પણ મંજૂરી આપી છે અને જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેમણે કહ્યુ હતુ કે વાસ્તવમાં વિવાદ એકમાત્ર એ છે કે પાકિસ્તાનના કબજામાં જે જમ્મુ-કાશ્મીર છે, તે ભારત ક્યારે પાછું મેળવી શકશે?
બીજી ભ્રમણા બંધારણની કલમ-370 અને કલમ-35-એને લઈને છે. સત્ય એ છે કે 370ની કલમ અસ્થાયી છે અને જમ્મુ-કાશ્મીરને કોઈ વિશેષ દરજ્જો આપતી નથી. તે તાત્કાલિક હટાવી લેવાની જરૂર હતી. બંધારણની કલમ-35એ ગેરબંધારણીય રીતે લાવવામાં આવી છે. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં રહેતા 1947માં પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતોને જમ્મુ-કાશ્મીરની નાગરીકતાનો હક મળ્યો નથી. આ નિરાશ્રિતોની સંખ્યા આસરે 4.50 લાખ છે. 1957માં જમ્મુ-કાશ્મીરમાં બોલાવવામાં આવેલા વાલ્મીકિ સમાજના લોકોના વંશજોને માત્ર સફાઈ કર્મચારી તરીકેના જ હકો મળેલા છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.
જમ્મુડ-કાશ્મીર અધ્યયન કેન્દ્ર, ગુજરાત દ્વારા કારગીલ વિજય દિવસના ઉપક્રમે ગુજરાતભરમાં વિવિધ શહેરોમાં કુલ 15 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.