Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે દિવાળી બાદ જ સ્કૂલો શરૂ થાય તેવી શકયતાઓ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શકયતાઓ ઓછી છે. જેથી શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું હોવાનું જાણવા મળે છે.

કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓને હાલ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનમાં ખબર નહીં પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોવાથી સરકાર પણ ચિંતિત છે. ત્યારે શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ રાજ્યના શિક્ષણવિદ્દો જોડે વિડિયો કોંફરન્સથી ચર્ચા કરી હતી. જેમાં શાળાઓ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને હાલ શરૂ નહી કરવા માટેનો એક સંયુક્ત સુર શિક્ષણવિદોએ વ્યક્ત કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ઘટાડવાની પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત દિવાળી વેકેશન સુધી શાળાઓ કાર્યરત નહી કરવા માટે તમામ શિક્ષણવિદોએ ભાર પુર્વક જણાવ્યું હતું. આ અંગે સરકારી અધિકારીઓ પણ વિચારી રહ્યા છે.