ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહના મુકાબલા પર આખા દેશની નજર હતી. માત્ર ભારત જ નહીં, પણ ભોપાલ બેઠક પરના પરિણામોની દેશ બહારના ચોક્કસ વિચારધારાના લોકોની પણ નજર હતી.
હિંદુ આતંકવાદની થિયરી દ્વારા હિંદુ સમુદાયને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનો આરોપ કોંગ્રેસના ચોક્કસ નેતાઓ પર લાગ્યો હતો. સ્વામી અસીમાનંદનું જેલમુક્ત થવું અને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની સામે કંઈપણ સાબિત નહીં થવું, 2019ની લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટા મુદ્દા હતા.
દોઢ દાયકાથી વધારે સમય સુધી ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેનારા દિગ્વજયસિંહ ભોપાલ બેઠક પરથી કોંગ્રેસમાં ઉમેદવાર બન્યા હતા. ત્યારે ભાજપે પણ હિંદુ આતંકવાદની થિયરી અને શબ્દોના રાજકીય પ્રયોગ કરનાર દિગ્વિજય સિંહ સામે સાધ્વી પ્રજ્ઞાને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ભોપાલ બેઠક આમ તો પરંપરાગત રીતે ભાજપની બેઠક રહી છે. પરંતુ ભોપાલ બેઠક પર ઘણી મોટી સંખ્યામાં અંદાજે ચાર લાખ જેટલા મુસ્લિમ વોટરો અને દિગ્વિજયસિંહ દ્વારા નર્મદા યાત્રા અને કોમ્પ્યુટર બાબાની મદદથી સોફ્ટ હિંદુત્વનો માર્ગ અખત્યાર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસ આ બેઠક પર પોતાની જીતની આશા પણ રાખતી હતી.
પરંતુ ભોપાલની લોકસભા બેઠક પરનું પરિણામ એક રીતે કોંગ્રેસમાં રહેલા હિંદુ આતંકવાદની થિયરી ઘડનારાઓ અને તેના આધારે રાજકીય રોટલા શેંકનારા ચોક્કસ વર્તુળોને એક મોટો સંદેશો પણ છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે કોર્ટમાં ચાલતા મામલાનો નિર્ણય અદાલત જ કરશે. પરંતુ હિંદુ આતંકવાદની થિયરીથી ઘવાયેલી લાગણીઓનો હિસાબ ભોપાલના મતદાતાઓએ દિગ્વિજય સિંહ સાથે કરી લીધો છે.
સાધ્વી પ્રજ્ઞાની જીતના કારણો-
ભાજપે સાધ્વી પ્રજ્ઞાને હિંદુત્વના પ્રતીક તરીકે ભોપાલ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેવામાં વોટોના ધ્રુવીકરણને કારણે હિંદુ વોટ પણ ભાજપને એકજૂટ રાહે મળ્યા હતા.
સાધ્વી પ્રજ્ઞાએ પણ ભાજપના પાર્ટી લાઈન પ્રમાણેના મુદ્દા સિવાય જેલમાં તેમની સાથે થયેલા કથિત અત્યાચારોના મામલાને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો વચ્ચે લઈ જઈને એક રીતે વિક્ટિમ કાર્ડ પણ તેઓ ખેલ્યા હતા. તેને લઈને જનતાની સહાનુભૂતિ મેળવવામાં પણ તેઓ સફળ રહ્યા હતા.
સાધ્વી પ્રજ્ઞા મૂળત ભોપાલના વતની છે. જ્યારે દિગ્વિજય સિંહ રાઘવગઢથી આવે છે. તેવામાં સાધ્વીને સ્થાનિક હોવાનો પુરો ફાયદો મળ્યો છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસમાં પણ દિગ્વિજયસિંહ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓના અલગ જૂથો કાર્યરત છે. આવી જૂથબંધીમાં દિગ્વિજયસિંહને ભીતરઘાતની સ્થિતિનો પણ સામનો કરવો પડયો છે.
ભોપાલ લોકસભા બેઠક પરથી રાઘોગઢના રાજા રહેલા દિગ્વિજયસિંહને ભાજપના સાધ્વી પ્રજ્ઞા સામે ત્રણ લાખથી વધારે વોટથી હારનો સામનો કરવો પડયો છે.
સાધ્વી પ્રજ્ઞાની જીતના રાજકીય સંદેશ-
શહીદ હેમંત કરકરેને શ્રાપ આપનારા નિવેદન અને નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતા નિવેદનો છતાં સાધ્વી પ્રજ્ઞાની ભોપાલ બેઠક પરથી જંગી જીત ભારતની રાજનીતિ માટે પણ ઘણાં મોટા સંદેશા લઈને આવે છે. સાધ્વી પ્રજ્ઞાના આવા નિવેદનોને અવગણીને ભોપાલના લોકોએ સાધ્વી પ્રજ્ઞાને જીતાડીને હિંદુ આતંકવાદની ગાળ આપનારને હવે ચેતી જવાનો સંદેશો આપ્યો છે. હલકી કક્ષાની રાજનીતિ માટે હિંદુઓને અને દેશને બદનામ નહીં કરવાનો સંદેશો પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની જીતમાં રહેલો છે.
મધ્યપ્રદેશના સતત દશ વર્ષ મુખ્યપ્રધાન રહેલા દિગ્વિજયસિંહને કોમ્પ્યુટર બાબાનો ટેકો મળ્યો હતો. ઘણાં સાધુ-સંતોએ દિગ્વિજયસિંહ માટે હવન પણ કર્યા હતા. તેમ છતાં દિગ્વિજયસિંહે હિંદુ આતંકવાદની આપેલી ગાળ ભારે પડી. દિગ્વિજયસિંહે ભોપાલના વિકાસ માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું, પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને હિંદુત્વ અને રાષ્ટ્રવાદના પ્રતીક તરીકે ભોપાલની જનતાએ ચૂંટયા છે.
ભોપાલ બેઠક પર મુકાબલો-
ભોપાલ બેઠક પર 12મી મેના રોજ મતદાન થયું અને 65.69 ટકાનું જંગી મતદાન નોંધાયું હતું. આ બેઠક પર 30 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. પણ મુખ્ય મુકાબલો ભાજપના સાધ્વી પ્રજ્ઞા સિંહ અને કોંગ્રેસના દિગ્વિજય સિંહ વચ્ચે હતો. છેલ્લા અહેવાલ મુજબ, સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજયસિંહ પર 3 લાખ 37 હજાર 112 વોટની સરસાઈ પ્રાપ્ત કરી છે.
ભોપાલ લોકસભા બેઠક 1984થી ભાજપો ગઢ રહી છે. ગત આઠ ચૂંટણીમાં ભોપાલ પરથી ભાજપને જીત મળી છે. 1984 પહેલા આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. ભૂતપૂર્વ મુખ્ય સચિવ સ્વર્ગસ્થ સુશીલચંદ્ર વર્મા અહીંથી ચાર વખત સાંસદ રહી ચુક્યા છે. બાકીની ત્રણ ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતી અને કૈલાસ જોશીને જીત મળી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના આલોક સંજરે કોંગ્રેસના પી. સી. શર્માને ત્રણ લાખ 70 હજાર 696 વોટથી હરાવ્યા હતા.
ભોપાલ બેઠક પર 1957થી લઈને અત્યાર સુધીમાં પહેલીવાર 2019માં 65.69 ટકા વોટિંગ જણાવે છે કે સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજયસિંહ વચ્ચેના ચૂંટણી જંગને ભોપાલના લોકોએ કેવી રીતે લીધો હતો. 2014માં ભોપાલ બેઠક પર 57.79 ટકા વોટિંગ થયું હતું. માત્ર બે વખત 1977માં 61.76 ટકા અને બીજી વખત 1999માં 61.88 ટકા એટલે કે 60 ટકાથી વધારે વોટિંગ થયું હતું. 1957માં ભોપાલ લોકસભા બેઠક પર પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસના મૈમુના સુલ્તાન જીત્યા હતા.
મતગણતરી વખતે વલણોને જોયા બાદ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નિશ્ચિતપણે મારી જીત હશે. મારા વિજયમાં ધર્મનો વિજય હશે, અધર્મનો નાશ હશે. હું ભોપાલની જનતાનો આભાર માનું છું.