લોકસભા ચૂંટણી 2019ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 23 મેના રોજ આવનારા પરિણામો પહેલા નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. આ દરમિયાન સમગ્ર ચૂંટણીપ્રચારમાં પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી અને ટીકાઓનો સામનો કરી રહેલી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર હવે મૌન ધારણ કરવાની છે. તેમણે પોતાના નિવેદનોને લઇને માફી માંગી છે અને જણાવ્યું કે તે હવે તપસ્યા કરવા જઈ રહી છે.
ભોપાલથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ સોમવારે ટ્વિટ કર્યું કે ચૂંટણી પ્રક્રિયા ખતમ થયા પછી હવે સમય ચિંતન-મનનનો છે. તેમણે લખ્યું કે જો મારા કોઈ નિવેદનથી કોઈપણ દેશભક્તને ઠેસ પહોંચે છે, તો તેઓ ક્ષમાપ્રાર્થી છે.
આ સાથે જ તેમણે 21 પ્રહર સુધી (આશરે અઢી દિવસ) મૌન ધારણ કરવાનું અને તપસ્યા કરવાનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલના અત્યાર સુધીના જે પરિણામો સામે આવ્યા છે, તેમાં ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર જીતતી જોવા મળી રહી છે.
ચૂંટણી દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ ઘણા એવા નિવેદન આપ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી માટે સંકટનો વિષય બન્યા છે. તેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત જણાવતું નિવેદન પણ સામેલ છે.