Site icon Revoi.in

સુરતમાં અનોખી પહેલ, કોરોના મહામારીમાં દર્દીઓની રોબોટ કરશે સેવા

Social Share

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સેવા કરતો મેડિકલ સ્ટાફ સંક્રમિત ન થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. સુરતની આ હોસ્પિટલમાં હવે કોરોના પીડિત દર્દીઓની બે રોબોટ સેવા કરશે. આમ ગુજરાતમાં કદાચ પ્રથમવાર રોબોટ કોરોના પીડિત દર્દીઓની સેવા કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાને એક જાણીતી કંપનીઓ કોરોના પીડિત દર્દીઓની સારવાર માટે બે જેટલા રોબોટ આપ્યાં છે. સ્મીમેર હોસ્પિટલમાં હવે સોના 1.5 અને સોના 2.5 નામના આ રોબોટ કોરોનાની સારવાર લેતા દર્દીને જરૂરી તમામ વસ્તુ પહોંચાડશે. હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ કોરોના પીડિત દર્દીઓના ઓછા સંપર્કમાં આવે અને દર્દીઓને જરૂરી સેવા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. ફુલ્લી ઓટોમેટિક આ રોબટ દર્દીઓને દવા અને સાહિત્ય અન્ય જીવન જરૂરી વસ્તુઓ આપી શકશે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. કોવિડ વોર્ડમાં તહેનાત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા તંત્ર અને સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવેલા આ રોબર્ટથી મેડિકલ સ્ટાફને પણ થોડી રાહત મળશે.