કેન્દ્રની મોદી સરકાર આર્થિક મોરચે ખૂબ ખરાબ રીતે ઘેરાયેલી છે. હવે આવેલા નવા રિપોર્ટ પર નજર કરવાથી લાગે છે કે સરકારની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં દેશમાં નોકરીઓનું સંકટ વધુ ઘેરું થવાનું છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં નવી નોકરીઓ ઓછી પેદા થશે અને તેનું કારણ ઓટોમેશન અથવા તો મશીનીકરણને જણાવવામાં આવે છે.
ઈકોનોમિક ટાઈમ્સે ટીમલીઝ સર્વિસને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, તેમા જણાવવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ, બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસ, ઈન્શ્યોરન્સ અને બીપીઓ-આઈટી સેક્ટરની નોકરીઓમાં 2019-23 વચ્ચે 37 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડો 2018-22ના અનુમાનિત આંકડાથી પણ નીચે છે.
ઉપરોક્ત સેક્ટર્સ સિવાય માર્કેટિંગ, એડવરટાઈઝિંગ, કૃષિ, એગ્રોકેમિકલ, ટેલિકમ્યુનિકેશન્સ, બીપીઓ, આઈટી, મીડિયા, એન્ટરટેનમેન્ટ, હેલ્થકેર અને ફાર્માસ્યૂટિકલ જેવા મહત્વના ક્ષેત્રોમાં પણ નોકરીઓના દરમાં ઘટાડો આવે તેવી સંભાવના છે. ટીમલીઝના વીપી ઋતુપર્ણા ચક્રવર્તીએ કહ્યુ છે કે આગામી ચાર વર્ષોમાં મોટાભાગના સેક્ટર્સમાં લાંબા સમયમાં જોવામાં આવે તો નોકરીઓનું સંકટ વધવાની શક્યતા છે. આ સંકટ ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી આપણા નીતિ-નિર્ધારકો એઆઈ-ઓટોમેસનને ધ્યાનમાં રાખીને પોલિસી બનાવતા નથી.
જો કે શોર્ટ ટર્મ માટે જોઈએ તો એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન નોકરીઓના દરમાં વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે, આગામી સમયમાં જે કર્મચારીઓ આધુનિક તકનીક અને નવી સ્કિલથી સજ્જ થશે, તેમને ઓછા સ્કિલફુલ કર્મચારીઓની સરખામણીમાં વધારે ફાયદો થશે.
નોકરીઓના આ સંકટની અસર સૌથી વધુ એગ્રિકલ્ચર અને એગ્રોકેમિકલ સેક્ટર પર પડવાની શક્યતા છે. આ સેક્ટરમાં આગામી વર્ષોમાં 70 ટકા સુધી નોકરીઓમાં ઘટાડાની સંભાવના છે.
તો કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં 44 ટકા નોકરીઓની વૃદ્ધિની શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે, ઓટોમોબાઈલ અને એલાઈડ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે નોકરીઓના મોકા મળી શકે છે. પરંતુ આ સેક્ટરમાં ગ્રોથની વાત કરીએ તો આ માત્ર 10 ટકા જ રહેશે.