Site icon hindi.revoi.in

માનવતાનું દ્રષ્ટાંત: સુરતના એક બ્રેન ડેડ યુવાને 8 વ્યક્તિઓને અંગદાન કરી નવજીવન બક્ષ્યું

Social Share

સુરત: માનવતાનું વધુ એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. સુરતના એક બ્રેન ડેડ યુવાને 8 વ્યક્તિઓને અંગદાન થકી નવજીવન આપ્યું છે. જ્યારે  અંગદાન સમયસર અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલ સુધી પહોંચે તેને માટે ત્રણ જુદા જુદા ગ્રીન કોરિડોર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા.

NGOના પ્રયાસથી અંગદાન શક્ય બન્યું

આપને જણાવી દઇએ કે સુરતના વેલનજામાં રહેતો પિયુષ મંગુકિયા નામનો 32 વર્ષીય યુવાન બાઇક અકસ્માતમાં બ્રેન ડેડ ડિકલેર થયો હતો. બીજી તરફ ડોનેટ લાઇફ નામના NGOના સંચાલક નિલેશ મંડલેવાળાના પ્રયાસોથી બ્રેન ડેડ યુવક પિયુષના પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા, બ્રેન ડેડ પિયુષનું હૃદય, ફેફસાં, બન્ને કિડની, લીવર અને પેન્ક્રીયાસ તેમજ આંખોનું દાન કરવામાં આવ્યું હતું.

કોને કોને કરાયું અંગદાન

હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ચાર્ટડ પ્લેન દ્વારા લઇ જવાયું હતું જે આણંદના 39 વર્ષીય યુવકમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે ફેફસાં મુંબઇની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં ફેફસાંનું 44 વર્ષીય આધેડને આપવામાં આવ્યું છે. જ્યારે કિડની અને પેન્ક્રીયાસ અમદાવાદની અન્ય હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલ્યા હતા.

અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે અંગદાન સમયસર અન્ય શહેરોમાં પહોંચે તે માટે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોર પોલીસની મદદથી બનાવવામાં આવ્યા હતા. જ્યારે કિડની, પેન્ક્રીયાસ રસ્તા માર્ગે સુરતથી અમદાવાદ 272 કિલોમીટર સુધીના ગ્રીન કોરિડોરથી પહોંચાડવામાં આવ્યા હતા. 180 મિનિટમાં અંગો હોસ્પિટલ સુધી પહોંચતા કરવામાં આવ્યા હતા.

(સંકેત)

Exit mobile version