Site icon Revoi.in

કોરોના કાળમાં આયુર્વેદને વધુ પ્રાધાન્ય: ગુજરાતમાં નવી 85 આયુર્વેદ ફાર્મા શરૂ થઇ

Social Share

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેફામ બન્યું છે ત્યારે એલોપેથી કરતાં પણ લોકો આયુર્વેદમાં વિશ્વાસ રાખીને આયુર્વેદને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. કોરોનાની સારવારમાં આયુર્વેદની દવાથી સારા પરિણામ પણ મળ્યાં છે ત્યારે આયુર્વેદ ક્ષેત્રને એક નવો વેગ મળ્યો છે. છેલ્લા 10 મહિનામાં ગુજરાતમાં 85 આયુર્વેદ ફાર્મા કંપનીઓ શરૂ થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બમણા લાઇસન્સ અપાયા છે. આયુર્વેદ દવાની માંગ વધતાં આયુર્વેદ ફાર્મા ક્ષેત્ર તરફનો ઝોક વધ્યો છે.

એક તરફ, કોરોનાની વેક્સીન કે દવા હજુ સુધી આવી નથી ત્યારે એલોપેથી કરતાં ગુજરાતીઓને આયુર્વેદ દવામાં વધુ વિશ્વાસ જાગ્યો છે. આયુર્વેદિક ઉકાળાથી માંડીને રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક દવાની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત કમિશનર ડૉ.કમલેશ ભટ્ટનું કહેવું છે કે, કોરોના કાળમાં આયુર્વેદ દવાના ઉત્પાદનમાં બમણો વધારો થયો છે. ગત વર્ષે આયુર્વેદ દવાના ઉત્પાદન માટે માંડ 30-35 ફાર્મા કંપનીઓને લાઇસન્સ અપાયા હતા. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીથી માંડીને નવેમ્બર સુધીમાં કુલ 85 આયુર્વેદ ફાર્મા કંપનીઓને લાઇસન્સ અપાયા છે.

નોંધનીય છે કે, 27 નવી આયુર્વેદ ફાર્મસીઓ શરૂ થઇ છે જયારે આયુર્વેદ દવાનું ઉત્પાદન કરવા 58 લોન લાઇસન્સ આપવામાં આવ્યાં છે. અન્ય વ્યક્તિની ફેક્ટરી હોય જયાં બીજી કોઇ વ્યક્તિને દવાનું ઉત્પાદન કરવું હોય તેને લોન લાઇસન્સ આપવામાં આવે છે. નોંધ લેવા જેવી વાત તો એ છે કે, હવે તો એલોપેથી ફાર્મા કંપનીઓએ પણ આયુર્વદ ક્ષેત્રમાં ઝુકાવ્યું છે.

(સંકેત)