Site icon hindi.revoi.in

આ વર્ષે દિવાળી દરમિયાન અમદાવાદમાં આગની ઘટનાઓમાં 40%નો ઘટાડો નોંધાયો

Social Share

અમદાવાદ: સામાન્યપણે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં આગની ઘટનાઓ વધુ બનતી હોય છે પરંતુ આ વખતે જ્યારે કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ ફાયર વિભાગ માટે રાહતના સમાચાર છે. દર વર્ષ કરતાં આ વર્ષે અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા આ વર્ષે ફટાકડા ફોડવામાં માટે રાખવામાં આવેલી નિશ્વિત સમયમર્યાદાને કારણે આગની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.

સામાન્યપણે દર વર્ષે દિવાળીના તહેવારથી લાભ પાચમ સુધી અમદાવાદ ફાયર બ્રિગેડને દરરોજના 80 થી 100 કોલ્સ આગની ઘટનાના મળતા હોય છે. પરંતુ આ વખતે આશ્ચર્યની વાત એ છે કે, દિવાળીના આ તહેવારમાં આગની ઘટનાઓમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ અંગે અમદાવાદ ફાયર વિભાગના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ દિવાળીના તહેવાર એટલે કે, શનિવારથી મંગળવાર સુધીમાં ફાયર વિભાગને માત્ર 95 કોલ્સ મળ્યા છે જેમાં આગના માત્ર 57 કોલ્સ હતા. બાકીના કોઇ નાની મોટી ઘટનાના હતા.

અહીંયા સૌથી મહત્વની વાત એ જોવા મળી છે કે દર વર્ષે દિવાળીના પર્વ પર આગની એવી 8 કે 10 ઘટનાઓ બનતી હોય છે જેમાં આગ બુજવવાની કામગીરીમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ સહિત 20થી 25 ફાયરની ગાડીઓ રહેતી હોય છે. જો કે રાહતની વાત એ છે કે, આ વખતે આવી એકપણ મોટી ઘટના બની નથી.

સરકાર દ્વારા ફટાકડા માટેનો સમય માત્ર 2 કલાકમાં રાખવામાં આવ્યો હતો, તે ઉપરાંત ફટાકડા ફોડવા અંગે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધશે અને કોરોનાનું સંક્રમણ વધશે. આ તમામ પરિબળોને કારણે પણ આગની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. આ વખતે દિવાળીના તહેવારમાં આગની ઘટનાઓને ધ્યાને લઇ તંત્ર દ્વારા અધિકારીઓ અને ફાયરના જવાનો સહિત 580 સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યો હતો

(સંકેત)

Exit mobile version