- રાજ્ય સરકારે માસ્ક મામલે કર્યો મહત્વનો આદેશ
- સરકારે ફિલ્ટર-વાલ્વવાળા માસ્ક ના પહેરવા જણાવ્યું
- રાજ્ય સરકારે તમામ વિભાગને લેખિતમાં કર્યો આદેશ
ગાંધીનગર: રાજ્ય સરકારે માસ્ક મામલે મહત્વનો આદેશ કર્યો છે. આ મામલે રાજ્ય સરકારે તમામ વિભાગને લેખિતમાં આદેશ કર્યો છે. આદેશ અનુસાર ફિલ્ટર કે વાલ્વવાળા માસ્ક ન પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે કે આવા માસ્ક કોરોના સામે રક્ષણ પૂરું પાડતા નથી. આ મામલે આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જીલ્લા આરોગ્ય અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. આ સાથે જ જે તે આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારના લોકો આવા માસ્કનો ઉપયોગ ન કરે તે સુનિશ્વિત કરે.
મળતી માહિતી મુજબ જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઇ રસી ઉપલબ્ધ નથી. આ સમયે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. હાલમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના માસ્ક પૈકી ફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવા માસ્ક કોરોનાના વિષાણુ સામે પૂરતું રક્ષણ આપતા નથી. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ના કરવા માર્ગદર્શિકા આપવામાં આવી છે.
મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંગઠને પણ વાલ્વવાળા અને ફિલ્ટર વાળા માસ્કનો ઉપયોગ ના કરવાની ભલામણ કરી છે. WHOના મતે આ પ્રકારના માસ્કને કારણે કોરોનાનું સંક્રમણ અટકાવી શકાતું નથી. આ બાદમાં ભારત સરકારે આ પ્રકારના માસ્કનો ઉપયોગ ના કરવા અંગેની માર્ગદર્શિકા બહાર પાડી હતી.
(સંકેત)