Site icon hindi.revoi.in

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: બીજેપીની વિજય કૂચ, સીએમ રૂપાણીએ કહ્યું, ‘આ ચૂંટણી 2022નું ટ્રેલર છે’

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ગાંધીનગર: રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ગુજરાતની તમામ 8 બેઠકો પર ભાજપ વિજય કૂચ કરી રહી છે. ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઇ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી દશા છે.

ચૂંટણી પરિણામ પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ જ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ.

રૂપાણી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, કોઇ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી, પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો તેમજ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્વનો ભાગ છે. પીએમ મોદી દ્વારા બનેલી યોજનાઓ દરેક વર્ગને મળે તેવું કામ કર્યું છે.

(સંકેત)

Exit mobile version