અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને પગલે ગરબા મહોત્સવને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. સરકાર પણ ગરબા મહોત્સવને લઈને વિચારણા કરી રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા ગરબા આયોજકોએ ગરબા મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જો કે, કોરોના ગાઈડલાઈન અનુસાર શેરી ગરબા માટે આયોજકોએ સરકારને વિનંતી કરી છે.
નવરાત્રિ મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન ગરબા આયોજકો માનવું છે કે,, મોટા ગરબા આયોજનોમાં હજારો લોકો આવતા હોય છે, જેથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શક્ય નથી. જેથી આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી એક વર્ષ માટે તેના મુલત્વી રાખી શકાય છે. આ સાથે જ શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજિત કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજકોટમાં સ્વૈચ્છિક રીતે ગરબાનો આયોજન ન કરવા અનેક ગરબા આયોજકોએ નિર્ણય કર્યો છે. આયોજકોએ ગરબા નહિ આયોજવા નિર્ણય કર્યો છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી હતી. તબીબોએ કહ્યું હતું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. કોરોના સંક્રમણ રોકવા માટે ગરબા ન યોજાય તે આવશ્યક છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 31.45 લાખ કોરોના ટેસ્ટ કરાયાં
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રોજના સરેરાશ 50 હજારથી વધારે ટેસ્ટીંગ હાલના સમયમાં કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં 71 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. તેમજ અત્યાર સુધીમાં 31.45 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલતા ગ્રામ્ય વિસ્તારમાં જ એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1344 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 1240 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.43 ટકા ટકા છે. રાજ્યમાં હાલ સાત લાખ જેટલી વ્યક્તિઓ ક્વોરન્ટાઈન છે.