– શૈક્ષિક સંઘ ની સતત રજૂઆતનું પરિણામ – અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજૂર કરાઈ – શિક્ષણ વિભાગે વર્ક ફ્રોમ હોમને લઈને પરિપત્ર પણ કર્યો જાહેર
કેન્દ્ર સરકારની તા. ૨૯ જુલાઈના રોજ જાહેર થયેલી અનલોક-૩ માટેની ગાઈડલાઈન્સમાં દેશભરની કોલેજોમાં ઓનલાઈન ટીચિંગ માટેના સ્પષ્ટ આદેશો કરાયા હતા. પરંતુ રાજ્ય સરકારે તા. ૩૧ જુલાઈના રોજ જાહેર કરેલી અનલોક-૩ ની ગાઈડલાઈન્સમાં આ બાબતે કોઈ સ્પષ્ટ દિશા નિર્દેશ ના કરતા રાજ્યભરના અધ્યાપકોમાં અવઢવની સ્થિતિ પેદા થઇ હતી. જેના પરિણામે કેટલીક કોલેજોમાં અધ્યાપકોને ઓનલાઈન ટીચિંગ માટે વર્ક ફ્રોમ હોમની છૂટ અપાઈ હતી જયારે ઘણી કોલેજોમાં આચાર્યો દ્વારા ઓનલાઈન ટીચિંગ માટે અધ્યાપકોને કોલેજ આવવાનો દુરાગ્રહ રખાતો હતો જે ખુબ જ અનુચિત હતું.
આથી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે તા. ૧ ઓગષ્ટે તમામ અધ્યાપકોને સમાન ધોરણે વર્ક ફ્રોમ હોમની છૂટ આપવા અને ઓનલાઈન ટીચિંગ માટે કોલેજ જવામાંથી મુક્તિ આપવા માટે માંગણી કરી હતી. આનું કોઈ પરિણામ ના આવતા ફરીથી તા. ૫ ઓગષ્ટે બીજો પત્ર લખીને આ માંગણી દોહરાવાઈ હતી.
જો કે આ બાબતે સરકારની ઢીલી નીતિ જોતા આજ રોજ શૈક્ષિક સંઘ ના હોદ્દેદારોએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રૂબરૂ મળીને આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવા અને રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતી અવઢવની સ્થિતિ દૂર કરવા માટે અનુરોધ કર્યો હતો.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથેની બેઠકના પરિણામ સ્વરૂપે શિક્ષણ વિભાગે આજે જ એક પરિપત્ર કરીને ૩૧ ઓગષ્ટ સુધી રાજ્યભરની કોલેજોના અધ્યાપકોને વર્ક ફ્રોમ હોમ માટેની છૂટ આપી છે. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ આ માટે શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવનો આભાર માને છે.
(સંકેત)