Site icon Revoi.in

દિવાળી બાદ યુનિવર્સિટી-કોલેજો પુન:શરૂ થશે, શિક્ષણ વિભાગે ગાઇડલાઇન્સ જાહેર કરી

Social Share

ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણને કારણે લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી શાળાઓ અને કોલેજો પણ બંધ છે. બાળકોના અભ્યાસને લઇને વાલીઓ ચિંતિત છે ત્યારે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ ખુલવાની જાહેરાત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. ધોરણ 9 થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શૈક્ષણિક કાર્યો શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી.

ગુજરાતમાં યુનિવર્સિટી અને કોલેજો પણ 23 નવેમ્બરથી પુન:શરૂ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટી અને કોલેજો શરૂ કરવા UGCએ જાહેર કરેલા પરિપત્રને લઇને ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી કે કોલેજોના શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને આ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કોલેજના લેક્ચરમાં હાજરી આપવી એ વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થી અથવા વાલી પાસેથી સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ના જોડાઇ શકે તેઓ માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત UGC દ્વારા 5મી નવેમ્બરે બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ તેમાં ઉમેરાઇ છે. પ્રથમ તબક્કામાં પી.જી, પી.એચ.ડી, એમ.ફિલ વગેરે અભ્યાસક્રમો, મેડિકલ/પેરામેડિકલના તમામ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમના માત્ર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ક્લાસમાં ભણાવવામાં આવશે. અન્ય વર્ગોમાં ઓનલાઇન શિક્ષણ ચાલું રહેશે.

વિદ્યાર્થીઓની સંખ્યા અથવા વિષયની જરૂરિયાતને જોતા ક્લાસની સંખ્યા મુજબ લેક્ચર ગોઠવવાના રહેશે. જેમાં યુજીસીની ગાઇડલાઇન મુજબ, કોલેજોએ 50-50 ટકા વિદ્યાર્થીઓના બે વર્ગો બોલવવાના રહેશે અથવા 1/3ના ત્રણ વર્ગો ગોઠવવાના રહેશે. જો ક્લાસની જરૂર હોય તો વિદ્યાર્થીઓને સતત ત્રણ દિવસ બોલાવવામાં આવે. આ પછીના દિવસોમાં અન્ય વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે.

હોસ્ટેલની સુવિધા જો આપવામાં આવે તો હાલમાં એક રૂમમાં એક જ વિદ્યાર્થીને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત કોલેજ/યુનિવર્સિટીમાં ફેસ માસ્ક, સેનિટાઈઝેશનનું ધ્યાન રાખવામાં આવશે. વર્ગોનું સમય-સમય પર સેનિટાઈઝેશન કરવામાં આવશે તથા લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓ કેમ્પસમાં ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

(સંકેત)