Site icon Revoi.in

યુનિવર્સિટી – કોલેજોના અધ્યાપકોની નોકરી બદલવાના કિસ્સામાં સેવા જોડાણના નવા નિયમોથી અધ્યાપકોમાં વ્યાપક નારાજગી

Social Share

અમદાવાદ: નાણા વિભાગના તા. 9/10/2019 ના પરિપત્રના અયોગ્ય અર્થઘટન અને અમલીકરણને કારણે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી યુનિવર્સિટીઓ અને અનુદાનિત કોલેજોના અધ્યાપકો તથા આચાર્યશ્રીઓના પેન્શન કેસો ખોટી રીતે રોકવામાં આવી રહ્યા છે જે બાબતે  ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખીને વિરોધ નોધાવ્યો છે.

આ બાબતે શૈક્ષિક સંઘના મહામંત્રી ડૉ. વસંત જોષી જણાવે છે કે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા જે પરિપત્રને આધારે નાણા વિભાગની પૂર્વ મંજુરીનું કારણ આપીને તા. 01/04/2005 કે ત્યારબાદ કોલેજ/યુનિવર્સિટી બદલનાર અધ્યાપકો/આચાર્યો માટે સેવા જોડાણના પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે તેના પ્રથમ ફકરામાં જ એ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે સદર પરિપત્ર એવા સરકારી કર્મચારીઓ / અધિકારીઓ માટે છે કે જેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કે તેની હસ્તકની કોઈપણ એક કચેરીમાંથી અન્ય કચેરીમાં બદલી/બઢતી મેળવીને આવેલા હોય. જયારે રાજ્યભરની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત કોલેજો એક જ કચેરી- એટલે કે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી- હસ્તક જ આવે છે માટે આ પરિપત્રને સરકારી યુનિવર્સિટીઓ અને સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત કોલેજોના  અધ્યાપકો/આચાર્યોને અનુચિતરીતે લાગુ પાડીને તેઓના પેન્શન અને પગાર રક્ષણ ની પ્રકિયાને રોકવાની બાબત સદંતર ગેરવાજબી છે.

શિક્ષણ વિભાગના તા 15/1/1982 ના ઠરાવમાં પણ આ બાબતે સ્પષ્ટતા કરેલ છે કે બિન સરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સ્વેચ્છાએ એક કોલેજ છોડીને બીજી કોલેજમાં જોડાય તો તેઓની અગાઉની સેવાને ધ્યાનમાં લઈને પગાર રક્ષણ આપવું. આમ જે તે સમયે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા જે અધ્યાપકોનું સેવા જોડાણ અગાઉ થઇ ગયેલું જ છે તેવા 2005 થી 2019 ના 14 વર્ષ દરમિયાન નિમણુક પામેલા અધ્યાપકોના પેન્શન કેસોને પણ તા. 09/10/2019 ના પરિપત્ર હેઠળ પાછલી અસરથી આવરી લઈને સેવા જોડાણના નામે પરત કરવામાં આવે છે જે બાબતે શૈક્ષિક સંઘે નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતમાં ખુદ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીનો તા. 08/6/2010 નો પત્ર પણ સ્વયંસ્પષ્ટ છે જે મુજબ એક ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાંથી બીજી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં જોડાતા અધ્યાપકની નોકરી સળંગ ગણાતી હોઈ નોકરી જોડાણનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

આ ઉપરાંત શિક્ષણ વિભાગના તા. 15/10/1984 ના પરિપત્રમાં માં પણ સરકારી યુનિવર્સિટીઓ તેમજ બિન સરકારી અનુદાનિત કોલેજોના  શૈક્ષણિક કર્મચારીઓ માટેના પેન્શન અંગે વિગતવાર સ્પષ્ટતા કરેલ છે. ઉપરોક્ત પરિપત્ર ના મુદ્દા-૨ મુજબ આવા કિસ્સાઓમાં ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન (હાલમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્રનર) ને ‘કોમ્પીટન્ટ ઓથોરિટી’ તરીકે ની સત્તાઓ આપેલ છે જે યોગ્ય નિર્ણય લેવા સક્ષમ છે. આ જ પરિપત્ર ના મુદા-૬ માં કઈ સેવાઓ પેન્શન હેતુ માટે ગણતરીમાં લેવી તેની પણ પુરી સ્પષ્ટતા છે. જે મુજબ અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓના કિસ્સામાં નોકરી સળંગ ગણવાનો મુદ્દો અપ્રસ્તુત છે. તેની જગ્યાએ પેન્શન પાત્ર સેવાઓ (QUALIFYING SERVICE) ગણવાની થાય છે. આ ઉપરાંત નાણાં વિભાગ ના તા. 06/9/2005 ના ઠરાવ મુજબ પણ તા. 01-04-2005 અને ત્યારબાદ ભરતી થનાર રાજ્ય સરકારના કર્મચારીઓને નવી પેન્શન નીતિ લાગુ પડે છે પરંતુ જે કર્મચારીઓ નવી પેન્શન નીતિ કે જે તા. 01/04/2005 થી અમલમાં આવી તે પહેલાથી જ  પેન્શન પાત્ર સેવામાં હોય અને તા. 01/04/2005 કે ત્યારબાદ તકનીકી કારણોસર રાજીનામું આપી નવી જગ્યાએ જોડાયેલ હોય તેમને 1972 ની પેન્શન યોજના જ લાગુ પડે છે. આથી જો સરકારી અને બિનસરકારી કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓ પણ આ સમયગાળામાં નિયમિત પસંદગી પધ્ધતિથી પસદંગી પામીને અન્ય કોલેજમાં જોડાયા હોય તો તેમને પણ 1972 મુજબ પેન્શન મળવા પાત્ર છે માટે તેઓના સેવા જોડાણનો પ્રશ્ન જ નથી રહેતો.

ડૉ. વસંત જોષીએ વધુમાં જણાવ્યું કે UGC ના નિયમો અનુસાર કોલેજો અને સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, ડાયરેક્ટર, રજીસ્ટ્રાર અને કોલેજો માં આચાર્યની જગ્યાઓ માટે નિયત સમયના શૈક્ષણિક અનુભવ ની જરૂરીયાત રહેતી હોય છે. આ સંજોગો માં 15 થી 25 વર્ષના અનુભવ પછી આવા શૈક્ષણિક કર્મચારીઓ અનુભવ અને લાયકાતના આધારે શિક્ષણ વિભાગે નક્કી કરેલ પસંદગી પ્રક્રીયામાંથી પસાર થઈ પસંદગી પામી તેઓ ઉપરની જગ્યા પર બઢતી મેળવતા હોય છે. આવા કિસ્સામાં એપોઇટીંગ ઓથોરીટી બદલાતી હોઈ તા. 6/9/2005 ના પરિપત્ર અનુસાર તકનીકી કારણોસર અગાઉ ની જગ્યાએથી  રાજીનામું આપી નવી જગ્યા પર હાજર થવાનું હોય છે. જેથી સૈદ્ધાંતિક રીતે આ નવી નિમણુંક નહિ પરંતુ બઢતી કે બદલી જ ગણાય તેથી તેમની અગાઉની સેવાઓ અન્ય સરકારી કર્મચારીઓની જેમ જ આપોઆપ સળંગ ગણાય છે અને ગણાવી જોઈએ કારણ કે આ બધી જ સંસ્થાઓ એક જ કચેરી એટલે કે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર હસ્તક જ આવે છે.

આ રીતે ઉક્ત વિગતોને ધ્યાનમાં લઇને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ તેમજ સરકારી કે બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓના એક કોલેજ કે યુનિવર્સિટી છોડીને અન્ય કોલેજ કે યુનિવર્સિટીમાં જોડાવાના કિસ્સામાં નાણા વિભાગના તા. 09/10/2019 ની સેવા જોડાણની જોગવાઈને સીધે સીધી લાગુ પાડવાને બદલે અગાઉની જેમ જ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા જ આ કાર્યવાહી થાય એવી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘની માંગણી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં તેમજ બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અનુક્રમે એસોસીએટ પ્રોફેસર-પ્રોફેસર તેમજ આચાર્ય પદે અનુભવી અધ્યાપકોને આવવામાં રસ જળવાઈ રહે તથા તેમના અનુભવ અને જ્ઞાનનો લાભ રાજ્યના શિક્ષણ જગતને અવિરત મળતો રહે તે માટે આ બાબતે સત્વરે સ્પષ્ટતા કરવી જરૂરી હોવાની લાગણી રાજ્યના અધ્યાપકોમાં પ્રવર્તી રહી છે.

(સંકેત)