- ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ગુરુવારે આણંદમાં યોજાઇ ચૂંટણી
- ચેરમેન તરીકે શામળ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની વરણી
- મેન્ડેટમાં નામ પ્રમાણે સર્વાનુમતે કરાઇ હતી વરણી
અમૂલ સહિત રાજ્યની 18 ડેરીના દૂધનું માર્કેટિંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આજે બપોરે ફેડરેશનની આણંદ ઓફિસ ખાતે યોજાઇ હતી. અમુલ (Amul) ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનનાં ચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજી હુંબલની નિયુક્તિ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે GCMMF સાથે સંલગ્ન 18 મંડળીમાંથી 17 મંડળીના ચેરમેન ભાજપ સમર્પિત છે. ગુરુવારે ચેરમેન અને વાઇસ ચેરમેનની મેન્ડેટમાં નામ પ્રમાણે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઇશ્વરભાઇ પટેલની નિયુક્તિ કરાઇ હતી.
મહત્વનું છે કે, આ સૌથી મોટી સહકારી માર્કેટિંગ સંસ્થાના ચેરમેન પદ ઉપર અન્ય નામોમાં શંકરભાઇ ચૌધરી, જેઠાભાઇ ભરવાડ અને રામસિંહ પરમારનું નામ પણ ચર્ચાઇ રહ્યું હતું.
(સંકેત)