Site icon Revoi.in

અમદાવાદમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે

Social Share

અમદાવાદ: દિવાળીના તહેવારો શરૂ થયા છે ત્યારે રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. આ વચ્ચે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા દુકાનદારો માટે ખુબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી તહેવારોની સીઝનમાં દુકાનદારો હવે રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.

હાલમાં સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા તબક્કાવાર રીતે ચાલી રહી છે. જેમાં હાલ અમદાવાદમાં દુકાનદારોને રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. લોકડાઉનમાં દુકાનદારોને વેપાર ધંધામાં પડેલા ફટકાને ભરપાઇ કરવા માટે તહેવારોમાં 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે તેવી રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે આજે AMC દ્વારા દુકાનદારોને છૂટ આપવામાં આવી છે.

હવે AMC દ્વારા જાહેર કરવામાં આવેલી 10 વાગ્યા સુધીની સમય મર્યાદા વધારી 12 વાગ્યા સુધીની કરવામાં આવી છે. દુકાનો ખુલ્લી રાખવા માટે 2 કલાકનો સમય વધારો કરવામાં આવ્યો છે. AMC દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની છૂટ અપાતા હવે અમદાવાદના પ્રહલાદનગર, સિંધુભવન, એસજી હાઇવે, વૈષ્ણોદેવી રોડ સહિતના 27 લોકેશન પર રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.

(સંકેત)