Site icon hindi.revoi.in

રાજકોટ અગ્નિકાંડ: પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં આગ લાગી હોવાની શક્યતા

Social Share

રાજકોટ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે આજે આગ કઇ રીતે લાગી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઘટનાના તપાસ અધિકારી એકે રાકેશ અને ઉદય કોવિડ હોસ્પિટલના ડૉ.કરમટાએ કોવિડની સારવાર માટે વપરાતા કોઇ સાધનમાં આગ લાગી હોવાનું જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદય કોવિડ હોસ્પિટલના સંચાલક ડૉ.કરમટાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, કોઇ ઇલેક્ટ્રિક ગેજેટ્સમાંથી હોસ્પિટલમાં આગ લાગી હોય શકે છે. હોસ્પિટલમાં અલગ અલગ ત્રણ કંપનીના વેન્ટિલેટરનો ICUમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે અમારા અંદાજ અનુસાર કોઇ ઇલેક્ટ્રિક ગેઝેટ્સમાંથી આગ લાગી હોઇ શકે છે. ICUમાં 8 બેડ હતા. L.N.T. વેન્ટિલેટર આગમાં બળીને ખાખ થઇ ગયું છે. તેથી તેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઇ શકે છે. ધમણ અને L.N.T વેન્ટિલેટર વચ્ચે આગ લાગી હોવાનું અનુમાન છે.

મૃતકોના પરિવારોને 4 લાખની આર્થિક સહાયની જાહેરાત

મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી હતી. ત્યારે એકે રાકેશે હોસ્પિટલમાં જઇને સમગ્ર ઘટનાની તપાસ કરીને તાગ મેળવ્યો હતો.

એકે રાકેશે જણાવ્યું કે, FSLના રિપોર્ટ પર જ ચોક્કસ કારણ સામે આવશે. સીઝન સપ્લાય વધારે હોવાથી અને માણસોની ટ્રેનિંગ વધુ સારી કરવાથી આવા બનાવ ભવિષ્યમા ન બને. ઓક્સિજન સપ્લાય વધુ હોવાથી હોસ્પિટલમાં આગ લાગે છે. તેથી હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવે તે જરૂરી છે. કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે. સ્પાર્ક ક્યાંથી  થયો એ એફએસએલના રિપોર્ટમા જ માલૂમ પડશે. કઈ બનાવટના સાધનમાં આગ લાગી એ તપાસ ચાલુ છે. તેમજ ઓક્સિજન લિકેજ છે કે કેમ એ પણ તપાસ કરાવીશું. બ્લાસ્ટ ક્યાંય થયો હોય એવું લાગી નથી રહ્યું. પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે. ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં આવશે.

નોંધનીય છે કે, રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે મળેલી પોલીસ અને કલેક્ટરના ઉચ્ચ અધિકારીઓની બેઠક પૂર્ણ થઇ હતી. સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી હતી. જેમાં ઉદય કોવિડ હોસ્પિટલના ડૉ.તેજસ કરમટાએ હાજરી આપી હતી. SITના અધિકારીઓ, સચિવ, કલેક્ટર, મનપા કમિશનર, DDO અને પોલીસ કમિશનર પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

(સંકેત)

Exit mobile version