પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ એન. ચંદ્રાબાબુ નાયડુએ એક્ઝિટ પોલના અનુમાનોને રદિયો આપ્યા પછી હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે તેઓ ન્યુઝ ચેનલ્સ તરફથી પ્રસારિત એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાના અનુમાન પર ધ્યાન આપે.
કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે પાર્ટી કાર્યકર્તા સ્ટ્રોંગ રૂમ અને મતગણના કેન્દ્રો પર અડીખમ રહે. કાર્યકર્તાઓને આપવામાં આવેલા ઓડિયો સંદેશમાં પ્રિયંકાએ કહ્યું, ‘તમે લોકો અફવાઓ અને એક્ઝિટ પોલથી હિંમત ના હારો. આ અફવાઓ તમારો ઉત્સાહ તોડવા માટે ફેલાવવામાં આવી રહી છે. આ દરમિયાન તમારી સાવધાની વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણના કેન્દ્રો પર અડીખમ રહો અને સાવધાન રહો.’
પ્રિયંકાએ કહ્યું, ‘અમને સંપૂર્ણ અપેક્ષા છે કે અમારી અને તમારી મહેનતનું ફળ મળશે.’ ઉલ્લેખનીય છે કે 19મેના રોજ આવેલા લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એક્ઝિટ પોલના અનુમાન જાહેર થતાં જ વિપક્ષીય દળોમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષના નેતાઓએ એક અવાજે એક્ઝિટ પોલ્સથી નારાજગી જાહેર કરી છે. જ્યારે વિરોધીઓએ ઇવીએમ અને ચૂંટણીપ્રક્રિયાને લઇને સવાલ પણ ઉઠાવ્યા છે.