નવી દિલ્હી : આખો દેશ આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજતક સાથેની ખાસ વાતચીતમાં કહ્યુ છે કે ભારત યુદ્ધ ઈચ્છતું નથી. પરંતુ યુદ્ધ માટે ઉશ્કેરણી કરવામાં વશે, તો પરિણામ પહેલાના યુદ્ધોથી વધારે સારું હશે. તેમણે કહ્યુ છે કે સેનાના જવાનો પર આપણને ગર્વ છે. જવાનો માટે વિશેષપણે વિચારવું જરૂરી છે. મારા માટે દેશહિત સૌથી પહેલા છે.
રાજનાથ સિંહે કહ્યુ છે કે 1999ના કારગીલ વિજય બાદ સેનાના આધુનિકીકરણને કારણે ઘણું પરિવર્તન આવ્યું છે. એડવાન્સ્ડ હથિયારોને સામેલ કરવામાં આવ્યા છે. ભારત યુદ્ધ કરવા ઈચ્છતું નથી. પરંતુ જો યુદ્ધ થશે તો 1965,1971 અને 1999થી પણ મોટા વિજય પ્રાપ્ત કરીશું.
કારગીલ યુદ્ધની વાત કરતા રાજનાથસિંહે કહ્યુ છે કે અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે સારા સંબંધ બનાવવા માટે કોશિશ કરી અને સમજૂતી પણ કરી. પરંતુ પાકિસ્તાને તેના પછી પણ નાપાક હરકત કરી. 60 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને જવાનાઓએ પોતાના પરાક્રમથી વિજય પ્રાપ્ત કર્યો.
રાજનાથસિંહે 1999ના યુદ્ધને યાદ કરતા કહ્યુ છે કે ભારતને પહેલીવાર 3 મે-1999ના રોજ ખબર પડી કે પાકિસ્તાને કબજો કર્યો છે. તેના પછી કાર્યવાહીનો સિલસિલો શરૂ થયો. પહાડીઓ પર પાકિસ્તાની સૈનિકો આવીને બેસી ગયા હતા અને એ વાતને જાણતા હોવા છતાં પણ કે ઉપર જવાથી જીવ ગુમાવીશું, ભારતીય સૈનિકોએ આગેકૂચ કરીને પાકિસ્તાની સૈનિકોને નેસ્તોનાબૂદ કર્યા હતા.
મેજર વિક્રમ બત્રાનો ઉલ્લેખ કરતા રાજનાથે કહ્યુ છે કે તેઓ ઉપર પહોંચ્યા અને એક પોસ્ટ પર કબજો પણ કરી ચુક્યા હતા. બાદમાં પોતાના અધિકારીઓને આના સંદર્ભે જણાવ્યું હતું. જ્યારે અધિકારીએ તેમને સવાલ કર્યો કે આગળ શું કરવાનું છે, તો તેમણે કહ્યુ હતુ કે દિલ માંગે મોર.